પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


તો કર. કાઠીયાવાડની શાન્ત હવા અને ઘી માખણ છોડી આ ધાંધલીયા મુંબઈગરા ક્યાંથી સાંભર્યા?’

‘તે હમણાં નહી, પછી વાત.’

‘એનો અર્થ એટલો કે આજ તો નથી જવાનો. આજે સાંજે આપણે સાથે જમીશું, પણ ઘેર નહી હોં. બાઈસાહેબની તબીયત ઠીક નથી. આપણે એમ્પાયર હોટલમાં જઈને નાસ્તો લઈશું. સાંજના વાત.’

“જેવી તારી મરજી. ઈંગ્રેજી ભણ્યા ને ઓફીસર થયા એટલે હોટલ બતાવતા થયા. અમારાં ગામડાંમાં મહેમાન આવે ને તારી પેઠે બાઈ માંદાં છે એમ ન કહેવાય હોં ! કાલને વાણે છોકરાં પાસેથી પણ ખાવાના ને રહેવાના પૈસા માગજે. ભોગ. આપણે પૈસા આપવાના નથી. પણ વસન્તલાલ ! એક પૂછું ?” આટલું કહેતાં અરવિન્દના મ્હોં ઉપર શરમના શેરડા પડ્યા. કહું કે ન કહું? બનાવશે તો નહી ને ? એમ થયું. મશ્કરી કરવી હોય તો કરવા દે કરી અરવિન્દ બોલ્યો,

“વસન્ત ! પેલું કુટુમ્બ મુંબાઈમાં છે કે કેમ ?” વસન્તલાલ હસ્યો અને બોલ્યો, “હં, હં, આ તો બીલાડી ઘી સુંઘતી સુંઘતી આવી છે ! મ્હને થયું ખરું કે મુંબાઈનું મ્હોં ન જોનાર આમ એની મેળે ક્યાંથી ? ત્હારા જેવા મહાત્માને પણ એ લાગણી ખરી કે ? ગભરાઈશ નહી, મ્હનેને મારી સાળી વ્હાલી છે. સાંજના પાંચ વાગ્યા પછી મેદાનીયામાં મળશે, કેક વૉકમાં જ જોઉં છું. ઠીક ત્યારે આપણે ત્યાં મળીશું અને ત્યાંથી પછી સાથે જ જઈશું. જોજે પાછો ધૂન ચડે ને એમને એમ ગાડીમાં ચડી બેસતો નહી. આ ફેરી ગયો તો લીલા મળી રહી હોં !”

“જા, જા, હવે કામ કર. બ્હાર લોકો ખોટી થાય છે.”