પૃષ્ઠ:Tarlaa.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

નથી ! ઘરમાં બધાં એમની સાથે વિવાહ કરવાની વાત કરે છે, પણ મ્હને ગમે છે ? લગ્ન ? ના, ના, એ તો એમની સાથે નહી. એમની સાથે લગ્ન કરી ગામડાંમાં પડી રહેવાનું ને? વળી એ જુના વિચારના. જોને એમના વેશ. ન મળે પાટલુન કે ન મળે કોલર નેકટાઈ. ના, ના, એ તો નહીં! ત્યારે ? ગમે તેમ હોય, પણ એમનો સ્વભાવ તો સારો. એમની સંગતનો કંટાળો આવતો નથી. પણ ‘ત્હારા ઉપર આધાર’ એમ કેમ બોલ્યા ? એમના મનમાં શું હશે ?’

એટલામાં લીલાની માતા આવી પહોંચી અને સઘળાં જવાની તૈયારી કરવા લાગ્યાં. અરવિન્દને જોઈ માતા બોલી, “તમે આવ્યા છો, તે ખબર નહીં. હરકત ન હોય તો સાંજના ઘેર આવજો.”

લીલા ને સઘળાં ગયાં. જતાં જતાં લીલાએ અરવિન્દ તરફ નજર કરી. અરવિન્દ વિચારમાં હતો એટલે લીલા સામું જોઈ શક્યો નહી. એક પગ બાંકડા ઉપર રાખી બેધ્યાનપણામાં કેકવૉક તરફ નજર રાખી ઉભો હતો. ત્યાં વસન્તે પાછળથી આવી ખભે હાથ મૂક્યો, અને “ચાલ હવે, ભૂખ લાગી છે કે નહી ? લીલાના વિચાર કર્યે પેટ નહી ભરાય,’ એમ કહી મેદાનીયા બ્હાર લઈ ગયો.

પ્રકરણ ૭ મું.
હોટલમાં.

હોટલમાં એક નાના ઓરડામાં બન્ને મિત્રો બેઠા. બન્ને ખુરસી વચ્ચે ગોળ સફાઈદાર આરસનું ટેબલ હતું. સામે મોહિનીની છબી આકર્ષી રહી હતી ત્યારે બીજી બાજુ વિશાળ દર્પણમાં વસન્તલાલ પોતાની મુછો નિહાળી આમળતો હતો. ઉપર વિજળીનો પંખો પવન ઉરાડતો હતો, અને વિજળીના બે જોડકા દિવા એક ખુણામાં પ્રકાશ પાડતા હતા.