પૃષ્ઠ:Tarlaa.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
હોટલમાં.

 ચશ્મા પહેરે છે, વાળ ઓળે છે, નાનો ચાંલ્લો કરે છે, સાપની કાંચળી જેવી નેકટાઈ નાખે છે, અર્ધ ઉઘાડા હાફકોટમાંથી જેકેટનો હીરાનો અછોડો દેખાય છે. એની બોલવાની ઢબ, એની હસવાની રીતથી ભલભલા અંજાઈ જાય છે. ભલભલી સ્ત્રીઓ બે ઘડી એને જોઈ રહે છે. અમલદાર વર્ગ, શેઠિયાઓ, વિદ્વાને, પેપરવાળાઓ બધા એના હાથમાં. એ હોંશીયાર છે, કેળવાયેલ છે. ટુંકામાં જ્યાં જાય ત્યાં જબરી છાપ બેસાડે એવો છે! '

અરવિન્દનાં હાજાં ગગડી ગયાં. ઢીલોઢબ થઈ ગયો. મુંગોજ રહ્યો.

'ગઇ ફેરા તું એમને એમ અચાનક ચાલી ગયો ત્યાર પછી એ અહીં આવ્યો છે ને વારંવાર લીલાને મળે છે. લીલાની માને પણ એને માટે સારો અભિપ્રાય છે......અરવિન્દ! આમ ગભરાઈ જવાતું હશે કે? એવા તો પંદર જણ આવે તેથી તું નહીં ફાવે એમ નહી.'

‘વસન્ત ! પણ તું દર વખત કહે છે કે આ રજામાં કાઠીયાવાડ આવવું છે, પણ તું આવતો જ નથી. આ ફેરી ત્હને સાથે લઈ ગયા વિના રહેવાનો નથી.'

'આવીશ, ભાઈ આવીશ. આ દુનિયામાં જ્યાં જોઈએ ત્યાં સ્ત્રીની પંચાત. કહેવાય અબળા, પણ આ સંસાર એ ચલાવે છે. હું પોતે પણ એવા સંકટમાં આવી પડ્યો છું અને એનું કારણ પણ સ્ત્રી છે. હવે મ્હારે ત્હારી સલાહની જરૂર પડી છે.'

'શા માટે?'

'સાંભળ. ધાર કે તું પરણ્યો છે, તું ત્હારી વહુને ખરા જીગરથી ચાહ્ય છે, આમ છતાં સંસારમાં કોઈ વખત બીજી સ્ત્રીમાં ફસાયો.'

'માફ કર ! હું સમજી શકતો નથી. પોતાની સ્ત્રીને ખરા જીગરથી ચ્હાવી ને બીજી સ્ત્રીનો મોહ, એ બને જ કેમ ? પૂરેપૂરા સતોષથી ખાધા પછી દુધપાક પુરી મ્હોં આગળ મુકે તો પણ ખાવાની રૂચી થાય જ કેમ?'