પૃષ્ઠ:Tarlaa.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


અરવિન્દની જાગીર લખતર સ્ટેટમાં એક નાના ગામમાં હતી. આ ગામમાં ઘરો તો માત્ર સોબસો જ હતાં; પરન્તુ તેમાં ઘણાખરાં ખેડુતોના, એકાદ બે મુસલમાનનાં; તે સિવાયનાં વાણીયા બ્રાહ્મણનાં ઘરો હતાં. ગામના પાધરમાં જ નાની નદી વહેતી. ગામ બહાર એક હનુમાન, મહાદેવ, રામ અને માતાનું મંદિર હતું. એનું પોતાનું ઘર ગામડાશાઈ જ હતું. બહાર મોટું ફળીયું, અંદર ઉંચી ઓશરી અને ઓશરીની સાથે જ એક પછી એક ઓરડા. સઘળે લીંપણ જ હતું, પરંતુ દર આઠે દિવસે ભોંય લીંપાતી. સુવા, બેસવાના ઓરડામાં સામાન વ્યવસ્થાસર ગોઠવેલા હતો. અરવિન્દની નજરમાં તો મુંબાઈના ધનાઢય લોકોના વાલકેશ્વર કે મહાલક્ષ્મી પરના ભવ્ય મહેલો કરતાં આ ઘર વ્હાલામાં વ્હાલું અને ઇન્દ્રપુરી જેવું હતું. આ જ ઘરમાં એના માતાપિતા રહ્યાં હતાં, અને મર્યાં હતાં, રહ્યાં હતાં એટલે આનંદમાં, નિશ્ચિતપણે જીવન ગાળ્યું હતું. મુંબાઈની મોટોરકારમાં ફરીને એમણે જીવન ગાળ્યું નહોતું, અને અરવિન્દને ગાળવા ઈછા નહોતી. એની માતાની મ્હોટી છબી અરવિન્દ પોતાના ઓરડામાં જ રાખતો. જીવનના દરેક કાર્યમાં, જીવનની દરેક પળે, એ માતા અરવિન્દને સાંભરતી; અને એ માતાને પગલે ચાલનારી -એ માતાના જેવી જ ઘરમાં, કુટુમ્બમાં, ગામમાં શાન્તિ ફેલાવે એવી પત્ની મળે એ જ એની મ્હોટામાં મ્હોટી ઈચ્છા હતી. લગ્નની પવિત્ર ગાંઠ શિવાય કોઈ સ્ત્રીની સાથે સ્નેહ બાંધવો એને એ પાપ માનતો. પત્ની ખોળવામાં પ્રથમ એ થનાર પત્નીનાં માં અને બાપના ચારિત્ર્યની પહેલી તપાસ કરતો.

લીલા ન મળવાથી નિરાશ થયેલો અરવિન્દ પોતાના ઓરડામાં જઈ ખાટલા ઉપર પડ્યો, ને અરવિન્દને ઉછેરી મોટો કરનાર ગંગાડોશી દુધને કટોરો લઈ આવ્યાં. “બેટા! લે, દુધ પી જા હાય ! હાય! મુંબાઈ જઈ દુબળૉ થઈ આવ્યો! મુવું મુંબાઈ! કહે છે ત્યાં તો દુધ પાણી જેવું ને ચાહના રગડા પીવાના, આખો દિવસ દોડાદોડી; એવું બા મારે ન જોઈએ. આપણે તે અહીં જ સારા.”