પૃષ્ઠ:Van Vruksho.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઊમરો

ઊમરો ઘણાં વરસે થયો. એક વાર ત્રમઘૂટ વરસાદ આવતો હતો ને રામભાઈ ને હેમુભાઈ ઊમરાનો રોપ લઈ આવ્યા. વરસતા વરસાદે ઊમરો રોપ્યો. રામભાઈને હેમુભાઈ તે દિવસે કંઈ રાજી થયા ! "ઊમરો રોપ્યો, ઊમરો રોપ્યો." એમ બોલતા જાય, કૂદતા જાય અને નહાતા જાય.

થોડા દિવસ થયા ને ઊમરો ચોંટી ગયો. નમી ગયેલાં પાન ટટ્ટાર થયાં; ઝાંખી ડાળીઓ ચળકવા લાગી; પાંચ દસ નાનાં નાનાં નવાં પાન આવ્યાં. રામભાઈ ને હેમુભાઈએ દોડાદોડ કરી મૂકી.

સૌને ઊમરા પાસે લઈ જાય ને બતાવે: ' જુઓ આ અમારો ઊમરો. ઊમરે નવાં પાન આવ્યાં છે."

ઊમરો રોજ રોજ વધતો જાય ને નવાં પાન કાઢતો જાય; શ્રાવણનાં સરવડાંમાં નહાતો જાય અને લીલો લીલો થતો જાય. ચોમાસું ગયું ત્યાં તો ઊમરો હાથ બે હાથ વધી ગયો.

પછી તો શિયાળો આવ્યો. રામભાઈ હેમુભાઈ વખતે વખતે પાણી પાય, ક્યારો કરે, ખાતર નાખે ને નીચલાં પાન ને નીચલી ડાળીઓ કાઢી નાંખે. ઊમરો ઉપરથી નવાં પાન કાઢતો જાય ને નીચેનું થડ જાડું થતું જાય. શિયાળો ગયો ત્યાં તો ઊમરાનું થડ વધ્યું, જાડું થયું. ઊમરો નાનું એવું ઝાડ થયું.

પછી એમ થયું કે એનાં પાંદડાં ખરવાં લાગ્યાં. એક પાન ખર્યું, બે ખર્યાં ને કેટલાં યે ખર્યાં; લીલોછમ ઊમરો સૂકો લાગવા માંડ્યો; ચળકતો ઊમરો ઝાંખો પડ્યો; ભરેલો ઊમરો ઠૂંઠો દેખાયો.