પૃષ્ઠ:Van Vruksho.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વડ

ઘણાં રળિયામણાં ઝાડોમાં વડ એક રળિયામણું ઝાડ છે.

વર્ષોથી અખંડ તપ તપતા દાઢી અને જટાવાળા યોગીરાજ જેવો વડ પૃથ્વી ઉપર બહુ વર્ષો સુધી તપે છે. વટેમાર્ગુ ઉપર આશીર્વાદની છાયા વરસાવતી લાંબી જાડી ડાળીઓ કાઢતાં વડ થાકતો નથી.

ડાળે ડાળે પક્ષીઓને રાત અને દિવસ વડનો સદાનો આવકાર છે. રાતા અને લીલા, પાકા અને કાચા વડના ટેટાની પક્ષી માત્રને પ્રેમભરી મિજબાની છે.

" આવો, કુદરતનાં બાલુડાંઓ ! આવો. આ ડાળીઓ તમારી છે; આ પાંદડાં તમારાં છે; આ ટેટા તમારા છે. ડાળે બેસી કલ્લોલ કરો; કુદરતનાં મીઠાં ગીત ગાઓ. ડાળે ડાળે માળાઓ કરો અને એકએક ટેટાને તમારે માટે સ્વીકારો.

" મને ધરતી માતા આપે છે અને હું તમને આપું છું. ધરતીમાં ગયેલાં મૂળને થડ પાણી પાય છે; જાડું થઈ થડ ડાળીઓ કાઢે છે; લળતી નમતી ડાળીઓ પાંદડાંને પ્રગટાવે છે, ને પાંદડે પાંદડે ટેટાની લૂમો બાઝે છે.

" ધરતી માતાએ આપેલું આ બધું તમારું છે. ઓ નીચે ઊભેલા ગોવાળો ! આવો; તમે પણ આ મારી ડાળે ઝુલો ને વડવાઈએ હીંચો. તમને પણ ગીતો ગાતાં આવડે છે. નવનવાં લોકનાં ગીતો ગાજો, અને ચણવા ગયેલાં મારાં પંખીડાંનાં બચ્ચાંઓને એ ગીતો સંભળાવજો. હું તો બહુ ભાગ્યવાન કહેવાઉં કેમકે દિવસે તમને સાંભળું, ને બપોરે નાનાં બચ્ચાંઓની મીઠી કોમળ વાણી સાંભળું !