પૃષ્ઠ:Van Vruksho.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરી ખુરશીટેબલ વગેરે ફરનિચર સીસમના જેવાં બનાવે છે. પણ એમ કર્યે કાંઈ સાચા સીસમની તોલે આવે? અસલ તે અસલ, ને રંગ તે રંગ!

સીસમનું લાકડું કંઈક અબનૂસ જેવું કાળું હોય છે. પણ કદાચ એટલું બધું તો નહિ; પણ માણસ જ્યારે કાળે રંગે હોય છે ત્યારે ઘણી વાર લોકો એમ કહે છે કે "આ તો કાળો સીસમ જેવો છે."

પણ સીસમથી કાળું અબનૂસ છે અને અબનૂસથી કાળો આફ્રિકાનો 'નુબી' નામની જાતનો વતની છે. આફ્રિકામાં જ્યારે હું નુબી લોકોને જોતો ત્યારે મને તેલ ચોપડેલી સીસમની લાકડી સાંભરતી.

તમે સીસમની લાકડી ઉપાડી જોશો તો માલૂમ પડશે કે બીજી લાકડીઓથી તે ભારે છે. દેવદારનું લાકડું ખૂબ હળવું છે તો સીસમનું લાકડું ખૂબ ભારે છે.

કેટલાંક મોટાં ઝાડો જેમ પર્વતો ઉપર થાય છે તેમ સીસમ પણ સહ્યાદ્રિ ઉપર ઠીકઠીક થાય છે. મલબારમાં પણ એની ઉત્પત્તિ સારી છે. આપણા ગુજરાત-કાઠિયાવાડમાં સીસમનું ઝાડ છે કે નહિ તે હું જાણતો નથી. પણ તમે કોઈ જાણતા હો તો મને લખી જણાવજો.

મારી પાસે બેઠેલી એક છોકરી કહે છે: "સીસમ શબ્દ સીદી ઉપરથી આવ્યો હશે."

પણ એ વાત ખોટી લાગે છે. આફ્રિકામાં એ ઝાડ થાય છે કે નહિ એ માલૂમ નથી, પણ યુરોપમાં તો થાય છે. લૅટિનમાં તેનું નામ 'ડાલ વર્જીયા ટ્રી ફોલિયા' છે. કેવડું મોટું નામ ? લૅટિન ભાષાના બધા શબ્દો આવડા મોટા હોય તો તો બોલવામાં બહુ ભારે પડે, ને મોઢું પણ દુખે!

આપણે સીસમ શબ્દ ઠીક છે.