પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર-૧ તેનામાં ગણિતવિષયક કલ્પના નથી આવતી. એક માણસ મરે છે, બીજો માણસ મરે છે, ત્રીજો માણસ મરે છે, એમ છે માટે બધા માણસ મૃત્યુને આધીન છે એમ સમજી લેવું એ કલ્પનાનો પ્રદેશ છે. વિશિષ્ટ ઉપરથી સામાન્ય પર જવાની શક્તિનું બંધારણ કલ્પનાશક્તિના પ્રાબલ્ય ઉપર છે. આ એક વાત છે. બીજી વાત એ છે કે વાસ્તવિકતાનાં જુદી જુદી જાતનાં મિશ્રણ કરીને તેને એક નવીન મિશ્રણ તરીકે રજૂ કરવી એ પણ કલ્પનાનો પ્રદેશ છે. અનેક જુદી જુદી જાતનાં વૃક્ષોનાં ફૂલોની પાંખડીઓના અભ્યાસમાંથી ચિત્રકલામાં નવા ફૂલની યોજના એ કલ્પનાનું કારણ છે. આ સંસારમાં બનતી અનેક જીવનઘટનાના વાસ્તવિકપણાને નવી રચનાથી ગોઠવી દઈ તેને એક વિશિષ્ટ ઘટના બનાવી લેવી એમાં જે રહ્યું છે તે વાર્તાની કલ્પના છે. વાર્તા પોતે જ કલ્પનાનું ફળ છે. એ વાસ્તવિકતાથી ભરેલી છે, છતાં એનો પ્રબંધ કલ્પનાને આભારી છે. આથી વાર્તા દ્વારા કલ્પનાશક્તિ વિકસાવવાનો ઉદ્દેશ માન્ય રાખી શકાય તેમ છે. પણ આ ઉદ્દેશ ગૌણ છે એ ભૂલી જવાનું નથી. આ બાબતમાં પણ આ પુસ્તકમાં એક પ્રકરણ લખવામાં આવ્યું છે. . શિક્ષણની દષ્ટિએ વાર્તાના કથનનો આ સિવાય પણ એક બીજો ઉદ્દેશ છે. એ ઉદ્દેશ વિદ્યાર્થીની ભાષાશુદ્ધિ સાધવાનો છે. શુદ્ધ ભાષાજ્ઞાન માટે શુદ્ધ ભાષાનો પરિચય એ રાજમાર્ગ છે. વાર્તા દ્વારા તેને સાંભળનાર વાર્તાની ભાષાના પરિચયમાં આવે છે. એટલું જ નહિ પણ જે શબ્દસમૂહોથી, વાકયોના સમૂહોથી અને જોડકણાંથી ભાષા સ્પષ્ટ, જોરદાર અને અસલ બને છે, તે વાર્તાના શ્રવણથી આપોઆપ સાંભળનારનાં બની જાય છે, અને સાંભળનારનો ભાષા ઉપર ભારે નિર્મલ કાબૂ જામી જાય છે.