પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

મનમાં મનમાં પણ વિચાર કરવાનો સમયા રહેવા દીધા વગર ભોગવાએ એ બાઈને આખી ને આખી પોતાના ઉદરમાં ઉતારી. ઝંડૂરિયો વાંદરીના બચ્ચાને નીચે પછાડીને ડોટ કાઢીને ત્યાં પહોંચ્યો. ત્યાં નદીની રેત પર બસ લાકડાનો ભારો પડ્યો હતો ને બાઈની ઓઢણીનો છેડો જારી જારી ડોકિયાં કરતો હતો તે પણ અદ્રશ્ય થયો. ફોડાની સપાટી પર ફક્ત થોડાં બડબડિયાં બોલ્યાં.

નાની છોકરી સામા કિનારા પાસે ઘડીજ એક પગ પર બીજો પગ ચડાવતી, ઘડીક બેસતી, ઘડીક ઊઠતી, ને બળતા પગ પછાડતી પછાડતી એ ધગેલી રેતીમાં ઊભી ઊભી બોલતી હતી:

"મા, બળું છું ! મા હાલ્ય ! મા, બળું છું !"

એક અજાયબી માંથી ઊંચે આવે તે પૂર્વે તો એ ઘાતકી મૃત્યુનો સાક્ષી ઝંડૂરિયો બીજા અચંબામાં ગરક થયો. આ છોકરી સામે ઊભી ઊભી જ પોતાની માને ધરતીના પેટાળમાં ગારદ થતી જુએ છે, છતાં હજુ ત્યાંથી ખસતી નથી ને માને પાછી આવવા બોલાવે છે."

ફરી વાર સાદ આવ્યો : " મા, તું કેમ નથી આવતી ?મા, હું બલું છું, મા, મા, એ...હેઈ...માડી!"

વાંદરાને, રીંછણને અને ગધેડાને છોડી ડોસાએ પણ નદીના પટમાં દોડ દીધી, ઘડી પહેલાંની જીવતી એક ઓરતનું ત્યાં નામ નિશાન નહોતું. ફક્ત લાકડામ્નો ભારો ડૂબેલા વહાણના ડાંડા જેવો ત્યાં દેખાતો હતો. નદીના મોંમાં કોઈ જવાબ નહોતો. નદીની રેત હિંસક હાસ્ય કરતી હતી: ધરતી પરનાં ખદબદતાં માનવીમાંથી એકને મેં ઓછું કર્યું તેથી દુનિયાને શી હાનિ આવી ગઈ ? વિશ્વની ઘટમાળને એક વિપળ પણ ક્યાં થંભવું પડ્યું? મીંદડા, કૂતરાં ને માન્વી - તમામ પોતાનો આહાર આરોગે છે તો ફોડાએ એનો ભક્ષ શા માટે ન મેળવી લેવો? નદીના મૂંગા હાસ્યની એ ઘાતકી રમૂજ હતી. એ રમૂજનાં નિરપરાધી પાત્રો ડોસો અને ઝંડૂરિયો સાત વર્ષાની છોકરી પાસે જઈ ઊભાં રહ્યાં ત્યારે છોકરીએ લામ્બા હાથ કર્યા ને કહ્યું : "મા, બળું છું, બૌ બળું છું મા, તેડી લે."