પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

સરી આવ્યું ? અંધીએ ચાલ્યાં જતાં પગલાંના ધ્વનિ પકડ્યા. અંધીનું નાક ચાલી જતી કોઈ સુગંધને શોધવા સતેજ બન્યું.

મદારીએ પશુઓને નદીમાં ઉતાર્યાં. ઝંડૂર પછવાડે ચાલ્યો. તેની પછવાડે સુગંધના અને ચરણધ્વનિના દોર પકડીને જાણે કે અંધીએ પગલાં ભર્યાં, સુગંધ અને પદધ્વનિના દોર સાત વર્ષની આંધળીના નાના નબળા હાથમાંથી સરવા લાગ્યા, તણાવા લાગ્યા, તૂટું તૂટું થયા, અને એણે બૂમ પાડી : "મા, મા, મા."

ઝંડૂર ઊભો થઈ રહ્યો. મદારી આગળ ને આગળ સળગતી રેતને પાર કરતો હતો. પાછળ પશુઓ હાય જાને પેલી અંધીની નવી લપ ચોંટશે એવી બીકે નાસ્યે જતાં હતાં પાછળ ઝંડૂર અંધીને પોતાની પીઠ પર ઉઠાવીને ચાલ્યો આવતો હતો. બિલ્લી જેવાં શબ્દહીન એનાં કદમો સાચવીને પડતાં હતાં.

સમી ભેખડે ચડીને મદારીએ તીરછી નજરે જોઈ લીધું. મૂંગા મૂંગા એણે ડોકું ધુણાવ્યું. પોતાને ખાતરી હતી કે ઝંડૂર જો ન લાવ્યો હોત તો છોકરીને તેડી લાવવા પોતાને જખ મારીને જવું પડત. 'કલેજું સડી ગયું ! મારામાં આવી દયા !' એવું વાક્ય એના મનમાં ઘોળાઈ રહ્યું. અરધોક ગાઉ સુધી એણે જોયું-ન જોયું કરીને ચાલ્યે જ રાખ્યું.

અંધી બાલિકાના હાથ ઝંડૂરના હોઠ પર ફરતા રહ્યા. અંધીની આંગળીને ટેરવે એ હોઠ કંપાયમાન બની ગયા. મૂંગા તાર બજતા હતા. જગતની વિદૂષકી કરવા નિર્માયેલો આ હોઠકટો કોમળ લાગનીઓના પ્રદેશમાં પશુઓ સિવાય કોને બીજાને પિછાનતો હતો ! એના કાપેલા એ હોઠ પર મા વિનાની અંધી વાજિંત્ર બજવતી હતી.

મા કેવી હોય ? એને યાદ નહોતું. કોઈક હતું એવો એક ઝાંખો ભણકાર રહી ગયો હતો. પોતાના બાળપણની બધી જ ઘટનાઓ, સંધ્યાકાળના પવનમાં કોઈ દૂર ગામની ઝાલર બજતી હોય તેના