પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૪
વસુંધરાના વહાલાં-દવલાં
 


" રૂપિયા તો અમરચંદ શેઠ પાસે હતા, બાઈ ! પ્રતાપ શેઠ પાસે જઈને ઉઘરાણી કર."

" તમે ઇંદરનગર જઈને લઈ પણ આવ્યા છો ને ઊડામણી શીદ કરો છો ? "

" મારા હતા તે હું લઈ આવ્યો."

" ને મારા ? હું પરતાપ શેઠને ઓળખું છું કે તમને ? રૂપિયાની ફાંટ બાંધી આવ્યું'તું કોણ ? "

" આબરૂનું જોખમ ખેડ્યું'તું કોણે ? હું બામણ ઊઠીને જેલ ભોગવી આવ્યો. ગાંડી, તું તો ફરી જઈનેય કામી આવીશ. મારો તો હવે જનમારો ખાલી હાથે જ ખેંચવો રિયો ના ? "

" તમે નથી લાવ્યા મારા ભાગના રૂપિયા ? "

" ના. "

" તો તમારામાંથી આલો, મારા બાપને અવગત્યમાંથી છોડાવવો છે આ ને આ ટાણે. વેપારીના માગણા હોય ત્યાં લગી બાપ મારો તરસ્યો તે તરસ્યો સળગ્યા કરશે."

" મારા ભાગમાંથી ? માગછ ઓલ્યા ભવનું ? "

" ઓલ્યા નહિ, આ ભવનું."

" તો લઈ લેજે." એમ ખીને કામેશ્વર ડોસાએ ખડકીમાં પેસવા પગ ઉપડ્યા.

" વાર છે વાર, " કહેતી લખડીએ ધસારો કર્યો. ડોસાની કાછડીનો છેડો ઝાલી લીધો. ડોસાની ચોટી હાથ કરી, " ભાભા, બામણા, હાલ્ય, મેલ્ય મારી માતાજીને પગે હાથ. હાથ મેલ્ય ઈ જોગણને પગે, એટલે તારા રૂપિયાને માથે થૂંકી નાખું. હાથ મેલ્ય એને પગે, એટલે હું ફરીથી મારી કાયાને ક્યાંક વેચી આવું. મારે મારા બાપની તરસ ટાઢી કરવી છે. બાપ કહેતો હશે કે રાંડ દીકરીએ પરભુને છેતર્યો, પારકું ધાન ખવરાવ્યું ! હાલ્ય, મારી શોક્યના મામા ! "

બ્રાહ્મણના ઘરમાં કોઈને જાણ થાય તે પૂર્વે તો કામેશ્વરની કાછડી