પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને હમીરભાઈએ સોપારીનો નવીન જ સ્વાદ ચાખ્યો.

"ઓલ્યાં તો ઉપડી ગયાં, હમીરભાઈ ! તમારી સમજાવટ ઝટ ફળી.નીકર આડોડિયાંને કાઢવા અને જમને કાઢવા, બેય બરાબર છે."

"ગયાં ને ?"

"હા, હું પંડે જોઈ આવ્યો ને ! એક બાપડો ડોસો પડ્યો રહ્યો છે. એની દીકરી તાવમાં ભૂંજાય છે; ને બાપડો દંગામાં ન રહી શક્યો. એ બોલવે-ચાલવે આડોડિયો તો લાગ્યો જ નહિ. ગરીબડો લાગે છે. એને કરવો ધંધો ને બીજાને સૌને કરવી ચોરી, એટલે બને ક્યાંથી ? હું જઈને થોડો ધર્માદો કરી આવ્યો. કહ્યું છે કે કાંઈક સાંડસી-ચીપિયા ઘડીને લાવજે, રાખી લેશું. તમથી ડરતો'તો બાપડો ! પછી મેં એને વશવાસ આપ્યો કે હમીરભાઈ શું તારા એકથી બીએ, માળા તીતાલી ? હમીરભાઈના ગામમાં એક કાલું ય કોઈ ઉપાડે, તો એનાં આંગળાં જ હમીરભાઈ ખેંચી કાઢે ને ! પડ્યો રે'તો હો ને ધંધો કરી ખાતો હો તો તારું કોઈ નામ ન લ્યે. વળી એની છોકરીયે છે બહુ જીવરી, આંટોફેરો મારતા રે'જોને !" ફરીથી શેઠે આંખ ફાંગી કરી, પણ એ એ એની ડાબી આંખ હતી.જમણી તે તો પોતે ફકત એકલાં શેઠાણીને સારુ જ સુવાંગ રાખેલી.

"હવે રાખો રાખો, અમરચંદભાઈ !" હમીર બોરીચો હસ્યા.

"કાંઈ રાખવા જેવું નથી, હમીરભાઈ ! તમે તો બાપા ગામ-બારા જ તમારો ભક્ષ કરો ઈ સારું. નીકર પાછૂં ગામને તમારું પેટ પૂરવું ભારે પડે. તમારી જુવાનીના દી કાંઈ અમે ભૂલી નથી ગયા હો, હમીરભાઈ ! મારી જાનમાં આવ્યા'તા યાદ છે ને ? મારો સસરો બાપડો હાથે પગે લાગીને કહે કે જાન ઝટ શીખ દઈ દ્યો નીકર વાત હાથમાં નહિ રે'! યાદ છે ને બધું ? હેં-હેં-હે."

પોલીસ મુખી હમીરભાઈના, પિસ્તાલીસ વર્ષે પણ એકેય કરચલીથી ન ખરડાયેલા મોં પર અમરચંદ શેઠની જાનના વોળાવિયા તરીકેનાં સંખ્યાબંધ સુંવાળાં સંસ્મરણો આલેખાઈ રહ્યાં. આ શબ્દો