પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૯
વસુંધરાના વહાલાં-દવલાં
 

દેતા પણ રાજની સ્કોલરશિપો મેળવી પોતાના છોકરાઓને મેડિકલ કૉલેજમાં દેડકાં-અળશિયાં ચીરવા મોકલતા. તેઓને સભા પણ ભરતાં આવડતી હતી - રાજાને આશીર્વાદ આપવા માટે અને ગાંધીને શાપવા માટે. તેઓ ત્રિપુંડો તાણતા હતા - જ્ઞાતિભોજનમાં જમવા જતી વખતે વળી વધુ રૂપાળા દેખાવાને માટે. તેઓ હડતાલ પણ પાડી શકતા - યજમાનોના ઘરના વરા પ્રસંગે બાજી બગાડવાને માટે. તેઓ શહેર સુધરાઈના સભ્યો બનતા - ભંગીઓના પગારવધારા રોકવા માટે, ને પોતાનાં સંડાસો મફત સાફ કરાવવા માટે.તેઓનો સુધારો હૉટલોનાં અને સેંકડે દસેક ટકા પૂરતો પીઠાંનાં પાછલા દ્વાર સુધી પહોંચ્યો હતો. તેઓ સમાજવાદી હતા, મૂએલાં સગાંની મિલ્કતના વારસાની સરખા ભાગે વહેંચણ સાધવા માટે. તેઓ શું શું હતા ને શું શું ન હતા ! બધું જ હતા, કંઈ જ ન હતા.

એ બ્રાહ્મણોના ભક્ત વિજયગઢના વણિકો હતા. તેઓ જીવતી વહુઓને હવા તેમ જ દવા વગર મારતા, ને મરેલી વહુઓ પાછળ ત્રેવડી મિઠાઈનાં ભાગીદાર કારજો કરતા. તેઓ ઉંદરને ખાતર બિલાડાં મારતા, બિલાડાંને ખાતર કૂતરાં મારતા ને કૂતરાંનાં કુરકુરિયાંને ખાતર ગામડિયા ગાડાખેડુઓને ભરબજારે મારતા. તેઓ પ્રભાતે પૂજા કરતા, પહોર દી' ચડ્યે સારાને સળેલા માલની ભેળસેળ કરતા, મધ્યાહ્ને ઊંઘતા ને મધરાતે ઊજાગરા ખેંચી માંકડ વીણતા. માંકડો ઊંઘવા ન દે તો પછી તેઓ બનાવટી ચોપડા લખતા. તેઓની સ્પર્ધા અમલદારોની મહેરબાની મેળવવામાં ખીલતી. તેઓનાં પગતળિયાં કચેરીઓના લાદીના પથ્થરો લીસા કરી ચૂક્યા હતા. ન્યાયમંદિરની દેવડી સામે તેઓ સગા ભાઈનું પણ સગપણ નહોતા રાખતા. તેઓ પોતાના પુત્રોને મુખ્યત્વે વકીલો જ કરતા. શાકપીઠનાં બકરાં કરતાં ઘણી વધુ સિફતથી તેઓ બકાલીનો મૂળો ખેંચી શકતા, ને શાકનો પૈસો માંગનારી કોળણને 'રાંડ ગળે પડછ' કહી શરમિંદી બનાવતા. તેઓ કાઠીઓનો વિશ્વાસ ન કરતા, કોળીઓને 'ચોરટા' કહેતા, ઝાંપડાં-વાઘરીને વેંચાતું ન આપતા, કેમ કે