પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૦
વસુંધરાના વહાલાં-દવલાં
 

હોઠ આઘા ખસી ગયા જેવું કાંઈક થયું છે.

સંધ્યા પણ તે વખતે ધરતીને પોતાના તેજનાં છેલ્લાં ધાવણ-ટીપાં ચુસાવતી ચુસાવતી અંધકારના દંડાની દહેશતે નાસતી હતી. ફરી વાર ખીચડી-રોટલાનું ટાણું થયું હતું. ફરી વાર શકોરાં તૈયાર થતાં હતાં. લૂલિયા છોકરાને ફરી વાર બાળકો ખીજવતાં હતાં કે "વધુ આપો !" વધુ માગવું છે ને અટાણે પણ, હેં લૂલિયા ?"

"લૂલિયાની બીજી ટાંગ પણ તોડી નાખવી જોવે."

"હું જો 'સાહેબજી બાપુ' હોત ને, તો ડંડે ડંડે લૂલિયાની ટાંગ ઉડાવી દેત !" 'સાહેબજી બાપુ' એ સંચાલક માટેનું સંબોધન હતું.

"ભાલિયો ઘંટીમાંથી લોટ ચાટતો'તો આજ. 'સાહેબજી બાપુ'ને કહી દેવું છે ?"

"અને ઓલી ગુલાબડી જોઈ ગુલાબડી ?" ચોથાએ એક પાંચ વર્ષની છોકરી બતાવી કહ્યું ઃ"ડુંગળીનું પાંદડું તોડીને સંડાસમાં સંતાઇ ગઈ'તી."

"બધાંની વાત હું 'સાહેબજી બાપુ'ને કહી દેવાનો છું."

"અને તું કાચી ખીચડી બુકડાવતો'તો તેનું શું?" ગુલાબડી બોલી.

"એ બધી વાતમાં કાંઈ નહિ. ઓલ્યો નવો છોકરો તો કૂતરીને ધાવતો'તો !"

"હેં અલી ગુલાબડી, કૂતરીનું દૂધ કેવું હોય ?"

"મેં નથી પીધું, મને શેનો પૂછછ, બાડા !"

"તેં તારી માનું દૂધ પીધું છે ?"

"કોને ખબર ?"

"મને સાંભરે છે. મારી મા મરી ગઈ'તી તોય હું એને ધાવતો'તો."

"બહુ મીઠું હોય, હેં ?"

"મીઠું તો હોય, પણ આવે નહિ ને !"

"એક જ દીમાં મારી માનું ધાવણ તો ખારું ખારું થ ઈ ગયું'તું."

"શાથી ?"