પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ને બીજું કોણ ?’

‘રાજમાન રાજેશ્રી સર્વ શુભોપમા લાયક શ્રી પાંચ પરભુલાલ શેઠ !’

‘એ વળી કોણ ?’

‘એને ઓળખતાં હજી તને વાર લાગશે. એનું સાચું નામ તો નરોત્તમ શેઠ છે. મૂળ રહીશ તો વાઘણિયાના, પણ હવે મંચેરશાની પેઢીની ગાદી બેઠા છે. પણ એની ઓળખ થતાં હજી તને વાર લાગશે મોટા ! આ નવા શેઠનું નામ જીભે ચઢતાં હજી વાર લાગશે—’

કીલો શક્ય તેટલું ગાંભીર્ય જાળવીને ઠાવકે મોઢે આટલાં વાક્યો બોલી તો ગયો, પણ એ ગાંભીર્ય બહુ ટકી શક્યું નહીં, તુરત એ નાના બાળક જેવું નિર્દોષ મુક્ત હાસ્ય વેરી રહ્યો.

નરોત્તમનું હૃદય આ વડીલના પ્રેમાળ હાસ્ય વડે પ્લાવિત બની ગયું. આ પ્રેમનો ઉત્તર એ હદયની મૂક વંદના વડે જ આપી રહ્યો.

ગાંભીર્ય ધારણ કર્યાં પછી કીલાએ પહેલો જ પ્રશ્ન પૂછ્યો: ‘કેમ છે વેપારપાણી ?’

‘સારાં.’

‘વછિયાતી કામકાજ ?’

‘મોટા ભાઈએ ઉપાડી લીધું છે.’

બહુ મઝાનું. વછિયાતી કામકાજમાં આવું વિશ્વાસુ માણસ મંચેરશાને બીજું કોઈ ન જડત. બીજા, એક તો બમણી હકશી ચડાવે ને માથેથી વળી નફાનો ગાળો કાઢી લિયે. આ મનસુખભાઈવાળી વિલાયતી પેઢી એમાં જ ઊંચી નથી આવતી ને !’

‘આપણે તો આ મોસમમાં બહુ માફકસર ભાવે ને મોટું કામકાજ થાશે,’ નરોત્તમે કહ્યું, ‘મોટા ભાઈએ બધા જ દરબારના વજેભાગ લઈ લીધા છે… બીજાઓનાં કરતાં ટકાફેર ભાવ આપવો પડશે, ને મોટા ભાઈની હકશી ચડશે તોય વિલાયતી પેઢી કરતાં આપણને વિલાયતી માલ સસ્તો પડશે—’

ગમે ત્યાંથી ગોતી કાઢો !
૨૬૭