લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વ્યાવહારિક આંટીઘૂંટીના જાણકા૨ કપૂરશેઠે સિફતપૂર્વક આ આપત્તિમાંથી મુક્ત થવાનો માર્ગ સૂચવ્યો. સ્થાવર અસ્કામત સગાંવહાલાંઓને નામે ચડાવી દેવાનું સૂચવ્યું. અને દરદાગીના વગેરે મિલકત સગેવગે કરી નાખવાનો માર્ગ બતાવ્યો. પણ આમાંનો એક પણ ઉપાય ઓતમચંદને ગળે ઊતરે એમ નહોતો.

‘ના, ના, એવું અણહકનું મને ન ખપે. લેણદારનું લેણું સોનામહોર જેવું. અપાશે ત્યાં સુધી દૂધે ધોઈને આપીશ. નહીં પહોંચાય ત્યારે લાચાર. પણ મારે મારી દાનત નથી બગાડવી. કોઈનું ઓળવીને આવતે ભવે પણ છૂટું નહીં.’

‘આમ ચૂકવવા બેસશો તો તો બાવા થઈ જાશો, બાવા.’

પણ ‘હરિની ઇચ્છા—’ ઓતમચંદે ફરી એ જ ઉદ્‌ગાર કાઢ્યો. ‘બાકી કૂડકપટ કરવામાં મારું મન માનતું નથી.’

‘તમે તો સાવ નરસીં મેતા જેવા માણસ છો !’ કપૂ૨શેઠે જરા ઉગ્ર અવાજે ઠપકો આપ્યો. ‘આગળપાછળનો પણ જરાય વિચાર નથી કરતા. હજી તો નાનો ભાઈ છે. એ પરણશે, પશ્ટાશે… ઘેરે ભગવાનનો દીધો દીકરો છે—’

‘સહુ પોતપોતાની શેર બાજરી લખાવીને આવ્યા છે, શેઠ !’ ઓતમચંદે ગર્વભેર ઉત્તર આપ્યો. ‘હાથમાંથી હાલ્યું જાશે પણ કપાળમાં લખ્યું હશે એ લઈ લેવાનું કોઈનું ગજું નથી.’

ઓતમચંદની આવી ફિલસૂફીના ગબારાને કપૂરશેઠ ક્યાંથી આંબી શકે ? કપૂરશેઠને તો પોતાની પુત્રીના હિતની જ પડી હતી. એ કારણે પોતાના જમાઈની શાખ જળવાઈ રહે એ જોવા તેઓ ઇંતેજાર હતા. પણ એકમાત્ર ‘હરિની ઇચ્છા’ને આધીન રહીને ચાલનાર

ઓતમચંદ તો પોતાની સાથે નાના ભાઈ નરોત્તમનું ભાવિ પણ ડૂલ ક૨વા તૈયા૨ થયો હતો. આ વાત કપૂરશેઠને ગળે કેમેય ઊતરી શકે એમ નહોતી. એમને તો નરોત્તમના ‘કપાળમાં લખેલી’ એ નહીં

કાગળ ને કડાકો
૮૧