પૃષ્ઠ:Vevishal.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો ત્રીજી વારનાં છે ને? તમારે બબે ને ત્રણ-ત્રણ વરસે ક્ષયથી મરી જાય એવી દેવીઓ જોઇએ છે; ને ભાઈ મારે તો ભાઈ, પંદર વરસ જૂનું - એયને મજાનું રીઢું થઈ ગયેલ 'રાચ' જોવે છે. જુવો - આ મારા દાદાના વખતની 'રોસ્કોપ' ઘડિયાળ : હજી એક દી ખોટકી નથી; તેમ નથી આ મારું 'રાજેસ' ચપ્પુ વીસ વરસથી ખોવાણું. બાયડી પણ અમારે તો સંભાલીને સાચવવા જેવું ટકાઉ રાચ છે, ભાઈ! સંભાળીને રાખીએ, રેઢું ન મૂકીએ, કાટ ન ચડવા દઈએ, દેખાડો કર્યા વગર ખપ જોગું જ વાપરીએ, તો 'રાચ' કહ્યે કાંઈ અપકીર્તિ નથી, ને 'દેવી' કહ્યો કાંઈ વિશેષતા નથી."

આવી ટકાઉપણાની દૃષ્ટિએ ખુશાલે સુશીલાને જોય કરી. હવે એ માથું જોતો હતો. માથું જોતો હતો. માથું જરાય ચપટું નથી; આ ઊપસેલ માથા પર ઈંઢોણી ને હેલ્ય સરખી રે'શે નહીં. પણ ફીકર નહીં, ટેવ પડશે એટલે ચપટું થઈ જશે. ટિપાય એટલે તો લોઢુંય બાપડું ચપટું થાય, તો જીવતા માણસનું માથું શા સારુ ન થાય?

વધુ વિચારવાનો વખત નહોતો. બારણાં ઊઘડ્યાં. ઉઘાડાવા આવનાર ભાભુ જ હતાં. એણે કૌતુક દીઠું : આ સવારી... આ સુશીલા, બહારથી ક્યાંથી આવી? આ કોણ? ઉજાણીનો દિન ફિક્કો, સુક્કો ને માંદલો હડધૂત થતો હોવાથી તેજહીન દીઠેલો સુખલાલ આંહીં સ્વાધીન, આત્મશ્રદ્ધા ભર્યો, ઉલ્લાસિત અને લગ્ન-પ્રણયની ઝાલક છાંટતા દીદારે એકાએક તો ઓળખાયો પણ નહીં. પહેલી વાર તો સામાન્ય વિવેક કરી કહ્યું : "આવો ભાઈ." ને પછી અણસાર પરખાઈ આવી તેમજ સુશીલાએ ધારણ કરેલી અદબ પરથી પણ અનુમાન થયું ત્યારે, ભાભુ ઉમળકાભર્યો બોલ બોલી ઊઠ્યાં : " અહો ! તમે ક્યાંથી ? આવો, આવો, નરવા છો ને?"

તેની પછી ત્રીજો દીઠો ખુશાલભાઈને ત્યારે વળી ગૂંચવાડો વધ્યો. રખે પોતાને જુદો ગણી ક્યાંઈક 'કોણ છો ભાઈ? શું કામ છે?' એવો તોછડો પ્રશ્ન પૂછી બેસશે એમ વિચારીને ખુશાલે જ વેળાસર અંદર