પૃષ્ઠ:Vevishal.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'છોકરી, તું ભારી પક્કી છે. તારે નામ લેવું છે બાપુજીની ચિંતાનું , ને તને અંદરથી દાઝે તો છે પેલા બે દુશ્મનોનું.'

ફરી એણે આંખો ખોલી ત્યારે ભાભુએ મક્કમ અવાજે કહ્યું : "ને તારી બા જોયાં છે! તારા મોટા બાપુજી ઉપર એ બે જણા જો હાથ ઉપાડે ને, તો તારી બા તેજાબનો સીસો લઈને જ દોડ્યાં આવે. તેજાબની છાલક છાંટે તો શું થાય ખબર છે? એ સુખલાલના મોં ઉપર તો કાયમનું ચિતરામણ જ કરી દ્યે. બળબળતા ફોલ્લા જ ઊપડી આવે. ને આંખમાં પડે તો તે..."

સુશીલાએ ઊઠીને ભાભુના મોં ઉપર હથેલી દાબી કહ્યું : "આમ શું બોલ્યે જાવ છો, ભાભુ ?"

"કાં ?"

"કેવું બીક લગાડે એવું બોલો છો!"

"બીક લગાડે તેવું કેમ ? હું તો તારા મોટા બાપુજીનું ક્ષેમકલ્યાણ વાંછું છું. તારા મોટા બાપુજીનું એક રૂંવાડું તો હલાવી જુવે કોઈ, ખબર છે? આખો મહોલ્લો ગજાવી મૂકીને એ બેય જણાને માથે ખૂન કરવા આવ્યાનું જ આળ મૂકે.ભલેને પચાસ હજાર ખરચવા પડે ! એક વાર ઇ સુખલાલને તો બેચાર વરસની જેલ ટિપાવી દ્યે ખબર છે? બીશ મા."

મોંમાં સોપારીનો ઝીણો ચૂરો ચાવતાં ચાવતાં, એ ચાવણનો ટીપું ટીપું રસ ઉતારતાં ઉતારતાં ઘણાં વર્ષો પરના રંગાવેલા દાંતની રાતી ઝાંય દીવાને અજવાળે ઝલકાવતાં ઝલકાવતાં ભાભુ સુખલાલના શરીર પરનાં તેજાબ છાંટણાંની ને સુખલાલના બેપાંચ વર્ષના કેદી-જીવનની કલ્પના-મૂર્તિ એવી તો લિજ્જતથી દોરતાં હતાં કે સુશીલાને સદાય ગમતાં ભાભુ પર ઘડીક અણગમો આવ્યો. એને મોઢે લોહી ચડી આવ્યું. એ ભાભુની સામેની બાજુએ નજર ખેંચી લઈને ખિજાયેલ મોંએ બેઠી. ભાભુએ પૂછ્યું :

"હજીયે તારા મોટા બાપુજીની ફિકર કરી રહી છો ને ? "