પૃષ્ઠ:Vevishal.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અજમાવ્યો: એણે મોટેથી બરાડા પાડવા માંડ્યા કે "આંહીં કોઇ મોટો માસ્તર સાહેબ છે નહીં ? શા સબબસર મારું આ રજિસ્ટર નથી લેતા ? માણસને કામધંધો હોય કે નહીં ? મુંબઇમાં કાંઇ જખ મારવા કે મજા કરવા કોઇ થોડા જ આવે છે ! ગામડાંના માણસ જાણીને, બસ, દબાવવા જ હાલી નીકળ્યા છો..."

એ બરાડાઓએ ટોળાને એકઠું કર્યું. મોટા માસ્તર આવી પહોંચ્યા. એણે સુખલાલને શાંત પાડિને કલાર્કને તાકીદ કરી. કલાર્ક બબડાટ કરતો કરતો જરૂરી વિધિ પતાવતો હતો, તે વખતે સુખલાલની પાછળ એક ગૃહસ્થ ચુપકીદી પકડીને ઊભા હતા. ઊભા ઊભા એ સુખલાલના હાથનું રજિસ્ટર પરબીડિયું જોતા હતા. એની આંખો ખાસ કરીને લાલ 'અંડર લાઇન' કરેલા અક્ષરો પર ચોંટી હતી: 'રૂ. ૫૦નો વીમો ઉતરાવેલ છે.' એ શબ્દો રૂપાવટી ગામડાના એક પરિચિત વણિક-નામના સરનામા સાથે મુકાયા હોવાથી આ પાછળ ઊભેલા ગૃહસ્થના મન પર મીઠી અસર કરનારા નીવડ્યા. મોકલનાર ધણીનું નામ પણ સ્વચ્છ અક્ષરે વંચાયું, એટલે એ ગૃહસ્થે ત્યાં ઊભવાની વધુ સબૂરી પકડી.

સ્ટવને બુઝાવી નાખ્યા પછી પણ થોડો વખત તપેલીનું પાણી ખદખદ બોલતું રહે છે, એ જ ન્યાય માણસના મગજને - ખાસ કરીને પોસ્ટઑફિસના કારકુનોના મગજને - અક્ષરશ: લાગુ પડે છે, એટલે ક્લાર્ક ધૂંધવાતો ધૂંધવાતો "લાવો આઠ આના" ... "લ્યો ભા, આ સ્ટૅમ્પ" ... "લગાવો કવર ઉપર" વગેરે બાફેલ રીંગણાં જેવા બોલ કાઢતો હતો ત્યારે એ પ્રત્યેકના જવાબમાં સુખલાલ દાઢી દાઢીને "હા જી" ... "લ્યો આપું" ... "ખુશીથી સાહેબ" ... "હું ક્યાં ના કહું છું, બાપા ?" ... "જરા હોલ્ડરની મહેરબાની કરશો ?" એવા ઉચ્ચાર કરતો હતો. સામાન્ય દરજ્જાના ક્લાર્કને આ માન મીઠું અમૃત જેવું લાગ્યું. તેની પણ વરાળ ધીમી પડી. તેણે એ કવરની વિધિ કરતે કરતે પોતાની કામગીરીનાં રોદણાં રડવા માંડ્યાં. તેના જવાબમાં સુખલાલ મૃદુ બોલ ગોઠવી ગોઠવીને બોલતો હતો :