પૃષ્ઠ:Vevishal.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિવસ આંસુ પાડતાં કે ગમગીન ચહેરે બેસતાં દીઠેલાં. ભાભુના મોમાંથી કચવાટ કે ફરિયાદ પણ કદી ટપકતાં નહોતાં. છતાં ભાભુના અદૃશ્ય રુદનની રીત સુશીલા જાણતી હતી. કપડાં પર ફરતા ભાભુના હાથની ચૂડીઓમાં સોનાની ઝીણી બબે ઘૂઘરીઓ હતી. સુશીલાએ ભાભુનું રુદન એ ઘુઘરીઓના રણકામાંથી પકડ્યું. પોતે પણ સામે કપડાં ચોળવા બેસી ગઇ.

16

બોલ્યું ચાલ્યું માફ કરજો

નાહવાની ઓરડીમાં લૂગડાં ચોળતાં ચોળતાં સારી વાર થયે એકાએક મોટા બાપુજીના ખંડમાંથી એમના શબ્દો સંભળાયા : "બસ, બાપ ! મારો ને તમારો બેયનો લોહીઉકાળો પૂરો થયો. બાકી તો આપણે ભાઈયું જ છીએ, હો શેઠ! સંબંધ કાંઈ બગડી નથી ગયો." જાણે કે એ કંઠ જ મોટા શેઠનો નહીં ! કરડાઈની એક કણી ન મળે !

શું થયું આટલી બધી ચુપકીદી પછી આ સંતોષના શબ્દો કેમ નીકળ્યા ? મોટા બાપુજીને ને સસરા વચ્ચે કાંઈ મૂંગું મૂંગું કામ થઈ રહ્યું હતું ? મોટા બાપુજીના મીઠા બોલ પૂરા થયા બાદ એકાએક બેઠકમાંથી એ રુદન-સ્વર કોનો સંભળાયો ? એ ઠૂઠવો કોણે મૂક્યો? સસરા રડ્યા ? હા, જુઓને, મોટા બાપુજીના કંઠમાંથી ફરી મીઠો બોલ સંભળાય છે:

"એ તો તમારી દીકરી જ છે એમ માનવું, બાપા!"

ફરી રડતા રડતા સસરા શું કહે છે આ?

"જરૂર હો શેઠ ! તમારે પગે લાગીને માગી લ‌ઉં છું : જરૂર મને એનાં લગન વખતે કાગળ બીડજો, હો! બીજું મારે ગજું નથી; એક શ્રીફળ લઈને આવી પોગીશ."