પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
વ્યાજનો વારસ
 

 જઈને બેસતી અને એકબીજાનાં સુખદુઃખની ગોઠડી આડે સમયનું ભાન પણ ગુમાવી બેસતી. લાખિયાર અજબ મમતાથી રઘીનું બયાન સાંભળતો. રઘીનું આ વર્તન સુલેખાને જરા વિચિત્ર તો લાગ્યું, ખૂંચ્યું પણ ખરું; રઘી પ્રત્યે સુલેખાને એટલાં તો મમત્વ અને પ્રેમ હતાં કે પગી સાથેની આનંદ–ગોઠડીઓમાં વિઘ્ન ઊભું કરવાનું સુલેખાને ઉચિત ન લાગ્યું. ઊલટાનું, હમણાં હમણાં રઘી બહુ જ આનંદિત અને ઉત્સાહી રહેતી હતી અને સુલેખા સાથેના એના વર્તનમાં પણ એ આનંદોત્સાહ વ્યક્ત થતો હતો, એથી સુલેખાનો રઘી પ્રત્યે નો રાગ વિશેષ તીવ્ર બન્યો હતો. રાતે કથાવાર્તા કહેતી વેળા પણ રઘીના અવાજમાં એ આનંદોત્સાહ અછતો રહી શકતો નહિ.

જીવનભરની એકાકીની સુલેખાના શુષ્ક જીવનમાં રઘી એક મીઠી વીરડી બની રહી હતી.

અન્નદેવની ઉપાસના દ્વારા સહુ પોતપોતાના જીવનની વિફળતાને ઓછીવત્તી સફળતામાં પલટાવી રહ્યાં હતાં.

*