મારે વર તો ગિરિધરને વરવું છે

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

મારે વર તો ગિરિધરને વરવું છે,
હાં રે બીજાને મારે શું કરવું છે? રે ... મારે વર તો.

નંદના કુંવર સાથે નેડલો બંધાણો રે,
હાં રે મારે ધ્યાન ધણીનું ધરવું છે રે ... મારે વર તો.

અવર પુરુષની મારે આશ ન કરવી રે,
હાં રે મારે છેડલો ઝાલીને ફરવું છે રે ... મારે વર તો.

સંસારસાગર મોહજાળ ભરિયો રે,
હાં રે મારે તારે ભરોસેં તરવું છે રે ... મારે વર તો.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર!
હાં રે મારે રાસમંડળમાં રમવું છે રે ... મારે વર તો.