રાષ્ટ્રિકા/હો મારી ગુજરાત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અમારી ગુજરાત રાષ્ટ્રિકા
હો મારી ગુજરાત
અરદેશર ખબરદાર
ગુણગરવી ગુજરાત →



હો મારી ગુજરાત


• ખટપાંખડી છંદ*[૧]


હો મારી ગુજરાત ! તુજને કોણ ન ચા'શે ગર્વે ?
અર્પણ કોણ ન કરશે સર્વે ?
તુજ પર કોણ ન વારી દેશે જીવન લાખે ક્રોડે ખર્વે,
તારા વિજ્યતણા તે પર્વે ?
કોની છાતી નવ ફૂલાશે તારું એક જ નામ ઉચરવે,
‘હો મુજ માત’, કહી મુખ ભરવે ?


હો મારી ગુજરાત ! તારા શૌર્યભર્યાં સંતાનો :
ગજવી દે સાતે આસ્માનો !
તારી ધજા ઊડવતા છે તારા પણ અર્જુન ને હનુમાનો :
તારો પરમ સારથી કહાનો :
તારા દયાનંદ ને મોહન જેવાં યુગયુગ વીર નિશાનો :
હો મા ! શાં કરીએ ગુણગાનો !



હો મારી ગુજરાત ! તારા ભક્તો, કવિઓ, જ્ઞાની :
તારા છપ્પનકોટિ દાની :
તારા ખંડેખંડ સુહવતા સાહસશૂરા પુત્ર સ્વમાની :
તુજ પુત્રીઓની કુરબાની :
તારી ફળફૂલવંતી કુંજોની શી જગતભરી મહેમાની !
હો મા ! પૂજિયે નિત તુજ પાની !


હો મારી ગુજરાત ! સૌને સૌનો દેશ મુબારક !
તું તો સૌની છે ઉદ્ધારક :
તારાં ધર્મવચન પ્રભુપથનાં જગમાં છે નિત સત્યપ્રચારક,
પુણ્યપ્રકાશક, પાપવિદારક :
યુગયુગના ગમગનાગમને સ્થિર ચળકે તું જાણે ધ્રુવતારક :
હો મા ! તું તો વિસ્મયકારક !


હો મારી ગુજરાત ! તારો શો જગને સંદેશો !
કાપે સૌના આત્મન્‌ક્લેશો :
તે તો દેવપ્રભભર દીધા જગને કંઇ અદ્ભુત આદેશો :
જડહ્રદયે તણખો જગવે શો !
તરો સાત્વિક સંયમશીળો શૂરો મંત્ર જીવન ફૂંકે શો !
હો મા ! ક્યારે અમ વિધિ કહેશો ?


હો મારી ગુજરાત ! જે અમ છે તે છે સૌ તારું :
તુજથી કેમ કશું રહે ન્યારું ?
સુખદુખસાગરમાં વહેતી અમ નૌકાનું તું બંદરબારું ;
તુજ અંધારું પણ છે સારું :
અમ દમ હાસ્ય રુદન કે વિજય પરાજય-એ સૌ ચલિત ઠગારું :
હો મા ! પ્યારું વતન હા પ્યારું !


હો મારી ગુજરાત ! છાતી ઠોકી અમે સૌ કહીશું ,
સાચા ગુજરાતીઓ રહીશું !
લાખો કષ્ટ પડે અમ શિર પર પણ તે અડગ રહી સૌ સહીશું :
તારી કીર્તિ અમારી નહીં શું ?
તુજ મટ્ટીને શ્વાસ વહે અમ તનમાં તે તો શુદ્ધ જ વહીશું :
હો મા ! જય જય તારી જ ચહીશું !

  1. *આ છંદ નવો રચ્યો છે. પ્રથમ ચરણમાં ૨૭ માત્રા છે, ને તાલ ૧-૫-૯-૧૨-૧૬-૨૦-૨૪ માત્રાઓ પર છે ને એ ચરણની ૧૧ મી માત્રા લઘુ જ જોઈએ. ત્રીજા ને પાંચમા ચરણમાં ૩૨ માત્રા છે ને તાલ ૧-૫-૯-૧૩-૧૭-૨૧-૨૫-૨૯ માત્રાઓ પર છે. બીજા, ચોથા ને છઠ્ઠા ચરણમાં ૧૬ માત્રા છે ને તાલ ૧-૫-૯-૧૩ માત્રાઓ પર છે.