લેને તારી લાકડી

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

લેને તારી લાકડી ને લેને તારી કામળી,
ગાયો ચરાવવા નહિ જાઉં માવલડી ... લેને.

માખણ તો બલભદ્ર ખાધું.
અમને મળી ખાટી હો રે છાશલડી ... લેને૦

વૃંદા તે વનને મારગે જાતાં,
પગમાં ખૂંચે ઝીણી કાંકરડી ... લેને૦

દાદુર મોર પપીહા રે બોલે,
ખિજાવે કહી કાળી કરસનડી ... લેને૦

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળ ચિત્ત રાખલડી ... લેને૦