સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૦. એક પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત
← ૯. બળિયા સાથે બાથ | સત્યના પ્રયોગો અથવા આત્મકથા એક પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત મોહનદાસ કરમચંદ ગાંધી |
૧૧. અંગ્રેજોના ગાઢ પરિચયો → |
૧૦. એક પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત
મારા જીવનમાં એવા બનાવો બન્યા જ કર્યા છે જે વડે હું અનેક ધર્મીઓના અને અનેક જાતિઓના ગાઢ પરિચયમાં આવી શકયો છું. એ બધાઓના અનુભવો પરથી એમ કહી શકાય કે મેં સગાં અને પરાયાં, દેશી અને પરદેશી, ગોરા અને કાળા, હિંદુ અને મુસલમાન અથવા ખ્રિસ્તી, પારસી કે યહૂદી વચ્ચે ભેદ નથી જાણ્યો. મારું હૃદય એવા ભેદને ઓળખી જ નથી શકયું એમ કહી શકું છું આ વસ્તુને મારે વિષે હું ગુણ નથી માનતો, કેમ કે જેમ અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યમોને કેળવવાનો પ્રયત્ન કર્યાનું ને તે પ્રયત્ન હજુ ચાલુ હોવાનું મને પૂર્ણ ભાન છે, તેમ આવો અભેદ કેળવવાનો મેં ખાસ પ્રયત્ન કર્યો હોય એવો મને ખ્યાલ નથી.
જયારે હું ડરબનમાં વકીલાત કરતો ત્યારે ઘણી વાર મારા મહેતાઓ મારી સાથે રહેતા. તેમાં હિંદુ અને ખ્રિસ્તી હતા, અથવા પ્રાંતવાર કહીએ તો ગુજરાતી અને મદ્રાસી હતા. તેમને વિશે મારા મનમાં કદી ભેદભાવ ઊપજયાનું મને સ્મરણ નથી. તેમને હું કુટુંબીજન ગણતો ને જો પત્ની તરફથી તેમાં કંઇ વિઘ્ન આવે તો તેની જોડે લડતો. એક મહેતો ખ્રિસ્તી હતો. તેના માતાપિતા પંચમ જાતિનાં હતાં. ઘરની બાંધણી પશ્ચિમ ઘાટની હતી. તેમાં કોટડીઓમાં ખાળ હોતા નથી—હોવા પણ ન જોઇએ એમ હું માનું છું—તેથી દરેક કોટડીમાં મોરીને બદલે પેશાબને સારુ ખાસ વાસણ હોય છે. તે ઉપાડવાનું કામ નોકરનું નહોતું, પણ અમારું ધણિધણિયાણીનું હતું. મહેતાઓ જે પોતાને ઘરના જેવા માનતા થઇ જાય તે તો પોતાનું વાસણ પોતે ઉપાડે પણ ખરા. આ પંચમ કુળમાં જન્મેલ મહેતા નવા હતા. તેમનું વાસણ અમારે જ ઉપાડવું જોઇએ. બીજાં તો કસ્તૂરબાઈ ઉપાડતી, પણ આ તેને મન હદ આવી. અમારી વચ્ચે કલેશ થયો. હું ઉપાડું એ તેને ન પાલવે, તેને પોતાને ઉપાડવું ભારે થઇ પડયું. આંખમાંથી મોતીનાં બિદુ ટપકાવતી, હાથમાં વાસણ ઝાલતી, અને મને પોતાની લાલ આંખોથી ઠપકો આપતી, સીડીએથી ઊતરતી કસ્તૂરબાઈને હું આજે પણ ચીતરી શકું છું.
પણ હું તો જેવો પ્રેમાળ તેવો ઘાતકી પતિ હતો. મને પોતાને હું તેનો શિક્ષક પણ માનતો ને તેથી મારા અંધ પ્રેમને વશ થઈ સારી પેઠે પજવતો.
આમ તેના માત્ર વાસણ ઊંચકી જવાથી મને સંતોષ ન થયો. તે હસતે મુખે લઈ જાય તો જ મને સંતોષ થાય. એટલે મેં બે બોલ ઊચે સાદે કહ્યા. 'આ કંકાસ મારા ઘરમાં નહીં ચાલે,' હું બબડી ઊઠયો.
આ વચન તીરની જેમ ખૂંચ્યું.
પત્ની ધગી ઊઠી: 'ત્યારે તમારું ઘર તમારી પાસે રાખો, હું ચાલી.'
હું તો ઈશ્વરને ભૂલ્યો હતો. દયાનો છાંટો સરખો નહોતો રહ્યો. મેં હાથ ઝાલ્યો. સીડીની સામે જ બહાર નીકળવાનો દરવાજો હતો. હું આ રાંક અબળાને પકડીને દરવાજા લગી ખેંચી ગયો. દરવાજો અરધો ઉઘાડયો.
આંખમાંથી ગંગાજમના વહી રહ્યાં હતાં, અને કસ્તૂરબાઇ બોલી:
'તમને તો લાજ નથી. મને છે. જરા તો શરમાઓ. હું બહાર નીકળીને કયાં જવાની હતી ? અહીં માબાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી થઈ એટલે મારે તમારા ધુંબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ.'
મેં મોં તો લાલ રાખ્યું, પણ શરમાયો ખરો. દરવાજો બંધ કર્યો. જો પત્ની મને છોડી શકે તેમ નહોતી તો હું પણ તેને છોડીને કયાં જનારો હતો ? અમારી વચ્ચે કજિયા તો પુષ્કળ થયા છે, પણ પરિણામ હમેશાં કુશળ જ આવ્યું છે. પત્નીએ પોતાની અદ્ભુત સહનશક્તિથી જીત મેળવી છે.
આ વર્ણન આજે હું તટસ્થ રીતે આપી શકું છું, કારણ એ બનાવ તો અમારા વીત્યા યુગનો છે. આજે હું મોહાંધ પતિ નથી, શિક્ષક નથી. ઇચ્છે તો કસ્તૂરબાઈ મને આજે ધમકાવી શકે છે. અમે આજે કસાયેલાં મિત્ર છીએ, એકબીજા પ્રત્યે નિર્વિકાર થઈ રહીએ છીએ. મારી માંદગીમાં કશો બદલો ઇચ્છયા વિના ચાકરી કરનારી એ સેવિકા છે.
ઉપરનો બનાવ ૧૮૯૮ની સાલમાં બન્યો. ત્યારે બ્રહ્યચર્યના પાલન વિષે હું કાંઇ જાણતો નહોતો. એ સમય એવો હતો કે જયારે પત્ની એ કેવળ સહધર્મિણી, સહચારિણી અને સુખદુ:ખની સાથી છે એવું મને સ્પષ્ટ ભાન નહોતું. તે વિષયભોગનું ભાજન છે, પતિની આજ્ઞા ગમે તે હોય તોપણ તે ઉઠાવવા સરજાયેલી છે એમ માની હું વર્તતો એ હું જાણું છું.
સને ૧૯૦૦ની સાલથી મારા વિચારોમાં ગંભીર પરિવર્તન થયું. ૧૯૦૬ની સાલમાં પરિણામ પામ્યું. પણ એ પરિણામને આપણે તેને સ્થળે ચર્ચશું.
અહીં તો આટલું જણાવવું બસ છે કે, જેમ જેમ હું નિર્વિકાર થતો ગયો તેમ તેમ મારા ઘરસંસાર શાંત, નિર્મળ ને સુખી થતો ગયો છે ને હજુ થતો જાય છે.
આ પુણ્યસ્મરણમાંથી કોઈ એવું તો નહીં માની લે કે અમે આદર્શ દંપતી છીએ, અથવા તો મારી ધર્મપત્નીમાં કંઈ જ દોષ નથી, અથવા તો અમારા આદર્શો હવે તો એક જ છે. કસ્તૂરબાઈને કંઇ સ્વતંત્ર આદર્શ છે કે નહીં તે તે બિચારી પોતે જાણતી પણ નહીં હોય. મારાં ઘણાં આચરણો તેને આજ પણ નહીં ગમતાં હોય એવો સંભવ છે. તેને વિષે ચર્ચા અમે કદી કરતાં નથી, કરવામાં સાર નથી. તેને નથી તેનાં માબાપે કેળવણી આપી, કે નથી જયારે સમય હતો ત્યારે હું આપી શકયો. પણ તેનામાં એક ગુણ બહુ મોટા પ્રમાણમાં છે જે બીજી ઘણી હિંદુ સ્રીઓમાં ઓછાવતા પ્રમાણમાં રહેલો છે. મને કમને, જ્ઞાનથી અજ્ઞાનથી, મારી પાછળ ચાલવામાં તેણે પોતાના જીવનની સાર્થકતા માની છે, અને સ્વચ્છ જીવન ગાળવાના મારા પ્રયત્નમાં મને કદી રોકયો નથી. આથી, જોકે અમારી બુદ્ધિશક્તિમાં ઘણું અંતર છે છતાં અમારું જીવન સંતોષી, સુખી અને ઊર્ધ્વગામી છે એમ મને લાગ્યું છે.