સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૩. બિહારી સરળતા
← ૧૨. ગળીનો ડાઘ | સત્યના પ્રયોગો અથવા આત્મકથા ૧૩. બિહારી સરળતા મોહનદાસ કરમચંદ ગાંધી |
૧૪. અહિંસાદેવીનો સાક્ષાત્કાર ? → |
૧૩. બિહારી સરળતા
મૌલાના મજહરુલ હક્ક અને હું એક વખત લંડનમાં ભણતા. ત્યાર બાદ અમે મુંબઇમાં ૧૯૧૫ની મહાસભામાં મળેલા. તે વર્ષે તેઓ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેમણે જુની ઓળખાણ કાઢી મને પટણા જાઉં ત્યારે તેમને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને આધારે મેં તેમને ચિઠ્ઠી મોકલી ને મારું કામ જ્ણાવ્યું. તેઓ તુરત પોતાની મોટર લાવ્યા ને મને પોતાને ત્યાં લઇ જવાનો આગ્રહ કર્યો. મેં તેમનો ઉપકાર માન્યો ને મારે જ્યાં જવાનું હતું ત્યા મને પહેલી ટ્રેનથી રવાના કરી દેવાનું કહ્યું. રેલવે ગાઇડથી મને ખબર પડી શકે તેમ નહોતું. તેમણે રાજકુમાર શુક્લ સાથે વાત કરી ને મારે પ્રથમ તો મુઝફ્ફરપુર જવું જોઇએ એમ સૂચવ્યું. તે જ દિવસે સાંજે મુઝફ્ફરપુરની ટ્રેન જતી હતી તેમાં મને તેમણે રવાના કર્યો. મુઝફ્ફરપુરમાં તે વખતે આચાર્ય કુપલાની રહેતા હતા. તેમને હું ઓળખતો હતો. હૈદરાબાદ ગયો ત્યારે તેમના મહાત્યાગની, તેમના જીવનની ને તેમના દ્રવ્યથી ચાલતા આશ્રમની વાત દા. ચોઇથરામને મોઢેથી સાંભળી હતી. તે મુઝફ્ફરપુર કોલેજમાં પ્રોફેસર હતા. તેમાંથી પરવારી બેઠા હતા. મે તેમને તાર કર્યો. મુઝફ્ફરપુર ટ્રેન મધરાતે પહોંચતી હતી. તે પોતાના શિષ્યમંડળને લઇને હાજર થયા હતા. પણ તેમને ઘરબાર નહોતાં. તે અધ્યાપક મલકાનીને ત્યાંની કોલેજના પ્રોફેસર હતા, અને તે વખતના વાતાવરણમાં સરકારી કોલેજના પ્રોફેસરે મને સંઘરવો એ અસાધારણ પગલું ગણાય.
કૃપલાનીજીએ બિહારની અને તેમાંય તિરહુત વિભાગની દીન દશાની વાત કરી ને મારા કામની કઠણાઇનો ખ્યાલ આપ્યો. કુપલાનીજીએ બિહારીઓ સાથે ગાઢ સંબંધ બાંધી લીધો હતો. તેમણે મારા કામની વાત તેમને કરી મૂકી હતી. સવારે નાનકડું વકીલમંડળ મારી પાસે આવ્યું. તેમાંની રામનવમીપ્રસાદ મને યાદ રહી ગયા છે.તેમણે પોતાના આગ્રહથી મારું ધ્યાન ખેંચ્યું.
'તમે જે કામ કરવા આવ્યા છો તે આ જગ્યાએથી ન થાય. તમારે તો અમારા જેવાને ત્યાં રહેવું જોઇએ. ગયાબાબું અહીંના જાણીતા વકિલ છે. તેમની વતી હું તેમને ત્યાં ઊતરવાનો આગ્રહ કરું છું. અમે બધા સરકારથી ડરીએ તો છીએ જ. પણ અમારાથી બને તેટલી મદદ અમે તમને દઇશું. રાજકુમાર શુકલની ઘણી વાત સાચી જ છે. દુ:ખ એ છે કે અમારા આગેવાન આજ અહીં નથી. બાબુ બ્રજકિશોરપ્રસાદને અને રાજેન્દ્રપ્રસાદને મે તાર કર્યો છે. બંને અહીં તુરત આવી જશે ને તમને પૂરી માહિતી ને મદદ આપી શકશે. મહેરબાની કરીને તમે ગયાબાબુને ત્યાં ચાલો.'
આ ભાષણથી હું લોભાયો. મને સંઘરવાથી ગયાબાબુની સ્થિતિ કફોડી થાય એવા ભયથી મને સંકોચ હતો. પણ ગયાબાબુએ મને નિશ્વિત કર્યો.
હું ગયાબાબુને ત્યાં ગયો. તેમણે અને તેમનાં કુટુંબીજનોએ મને પ્રેમથી નવરાવ્યો.
બ્રજકિશોરબાબું દરભંગાથી આવ્યા. રાજેન્દ્રબાબુ પુરીથી આવ્યા. અહીં જોયા તે લખનૌના બ્રજકિશોરપ્રસાદ નહીં. તેમનામાં બિહારીની નમ્રતા, સાદાઇ, ભલમનસાઇ, અસાધારણ શ્રધ્દ્રા જોઇને મારું હૈયું હષથી ઊભરાઇ ગયું. બિહારી વકીલમંડળનું બ્રજકિશોરબાબુના પ્રત્યેનું માન જોઇ હું સાનંદાશ્રર્ય પામ્યો.
આ મંડળ વચ્ચે ને મારી વચ્ચે જન્મની ગાંઠ બંધાઇ.
બ્રજકિશોરબાબુએ મને બધી હકીકતથી વાકેફ કર્યો. તેઓ ગરીબ ખેડુતોને સારુ કેસો લડતા. એવા બે કેસો ચાલી રહ્યા હતા. આવા કેસો કરી કંઇક વ્યક્તિગત આશ્વાસન મેળવતા. કોઇ વાર તેમાં પણ નિષ્ફળ જતા. આ ભોળા ખેડૂતોની પાસેથી ફી તો લેતા જ. ત્યાગી છતાં બ્રજકિશોરબાબુ કે રાજેન્દ્રબાબુ ફી લેવામાં સંકોચ ન રાખતા. ધંધા પરત્વે જો ફિ ન લે તો તેમનું ઘરખર્ચ ન ચાલે, ને તેઓ લોકોને મદદ પણ ન કરી શકે, એ દલીલ હતી. તેમની ફીના આંકડા અને બંગાળના ને બિહારના બારિસ્ટરોને અપાતી ફીના ન ધારી શકાય એવા આંકડા સાંભળી હું ગૂગળાઇ ગયો.
'–સાહેબને અમે 'ઓપીનિયન'ને સારુ ૧૦,૦૦૦રૂપિયા આપ્યા' હજારો સિવાય તો વાત જ મેં ન સાંભળી.
આ મિત્રમંડળે આ બાબત્નો મારો મીઠો ઠપકો હેતપૂર્વક સાંભળ્યો. તેનો તેમણે ખોટો અર્થ ન કર્યો.
મેં કહ્યું : 'આ કેસો વાંચ્યા પછી મારો અભિપ્રાય તો એવો છે કે આપણે આ કેસો કરવાનું હવે માડી જ વાળવું. આવા કેસોથી લાભ ઘણો થોડો થાય છે. જે રૈયતવર્ગ આટલો કચરાયેલો છે, જ્યાં સહુ આટલા ભયભીત અહે છે, ત્યાં કચેરીઓ મારફતે ઇલાજ થોડો જ થઇ શકે. લોકોનો ડર કાઢવો એ તેમને સારુ ખરું ઔષધ છે.આ તીનકઠિયા પ્રથા ન જાય ત્યાં લગી આપણે સુખે બેસી નથી શકતા. હું તો બે દિવસ જોવાય તેટલું જોવા આવ્યો છું. પણ હવે જોઉં છું કે આ કામ તો બે વર્ષ પણ લે. એટલો સમય જાય તો પણ હું આપવા તૈયાર છું. આ કામમાં શું કરવું જોઇએ તેની મને સૂઝ પડે છે. પણ તમારી મદદ જોઇએ.'
બ્રજકિશોરબાબુને મેં બહુ ઠરેલ મગજના ભાળ્યા. તેમણે શાંતિથી જવાબ આપ્યો: 'અમારથી બનશે તે મદદ અમે આપીશું. પણ તે કેવા પ્રકારની તે અમનેસમજાવો.'
અમે આ સંવાદમાં રાત ગાળી. મેં કહ્યું : મારે તમારી વકીલાતની શક્તિનો ઓછો ઉપયોગ પડશે. તમારા જેવાની પાસેથી હું તો લહિયાનું ને દુભાષિયાનું કામ માગું. આમાં જેલ જવાપણું પણ જોઉં છું. તમે તે જોખમમાં ઊતરો એ મને ગમે. પણ તેમાં ન ઊતરવું હોય તો ભલે ન ઊતરો. પણ વકીલ મટી લહિયા થવું ને તમારો ધંધો તમારે અનિશ્રિત મુદતને સારુ પડતો મૂકવો, એ કંઇ હું ઓછું નથી માગતો. અહીની હિદી બોળી સમજતાં મને મુસીબત પડે છે. કગળિયાં બધાં કૈથીમાં કે ઉર્દૂમાં લખેલાં હોય એ હું ન વાંચી શકું. આના તરજુમાની તમારી પાસેથી આશા રાખું. આ કામ પૈસા આપીને કરીએ તો પહૉચાય નહીં. આ બધું સેવાભાવથી ને વગર પૈસે થવું જોઇએ.'
બ્રજકિશોરબાબુ સમજ્યા, પણ તેમણે મારી તેમ જ પોતાના સાથીઓની ઊલટતપાસ ચલાવી. મારાં વચનોના ફલિતાર્થો પૂછયા. મારી અટકળ પ્રમાણે, કયાં લગી વકીલોએ ભોગ આપવો જોઇએ, કેટલા જોઇએ, થોડા થોડા થોડી થોડી મુદતને સારુ આવે તો ચાલેકે નહીં. વગેરે પ્રશ્નો મને પૂછયા. વકીલોને તેમની ત્યાગની કેટલી શક્તિ હતી તે પૂછયું.
છેવટે તેમણે આ નિશ્વય જણાવ્યો : 'અમે આટલા જણ તમે જે કામ સોંપશો તે કરી દેવા તૈયાર રહીશું. એમાંના જેટલાને જે વખતે માગશો તેટલા તમારી પાસે રહેશે. જેલ જવાની વાત નવી છે. તે વિષે અમે શક્તિ મેળવવા કોશિશ કરશું.'