સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૯. ખાદીનો જન્મ
← ૩૮. મહાસભામાં પ્રવેશ | સત્યના પ્રયોગો અથવા આત્મકથા ૩૯. ખાદીનો જન્મ મોહનદાસ કરમચંદ ગાંધી |
૪૦. મળ્યો → |
૩૯. ખાદીનો જન્મ
સન ૧૯૦૮ સુધીમાં રેંટિયો કે સાળ મેં જોયાં હોય એવું મને સ્મરણ નથી. છતાં 'હિંદ સ્વરાજ'માં રેંટિયાની મારફતે હિંન્દુસ્તાનની કંગાલિયત મટે એમ મેં માન્યું. ને જે રસ્તે ભૂખમરો ભાગે તે રસ્તે સ્વરાજ મળે એ તો સહુ સમજી શકે એવી વાત ગણાય. સન ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી દેશમાં આવ્યો ત્યારે પણ મેં રેંટિયાનાં દર્શન તો ન જ કર્યાં. આશ્રમ ખોલ્યું એટલે સાળ વસાવી. સાળ વસાવતાં પણ મને બહુ મુશ્કેલી આવી. અમે બધાં કલમ ચલાવનાર કે વેપાર કરી જાણનાર ભેળા થયા હતા; કોઈ કારીગર નહોતા.એટલે સાળ મેળવ્યા પછી વણાટકામ શીખવનારની જરૂર હતી. કાઠિયાવાડ અને પાલણપુરથી સાળ મળી ને એક શીખવનાર આવ્યો. તેણે પોતાનો બધો કસબ ન બતાવ્યો. પણ મગનલાલ ગાંધી લીધેલું કામ ઝટ છોડે તેવા નહોતા. તેમના હાથમાં કારીગરી તો હતી જ, એટલે તેમણે વણવાના હુન્નરને પૂરો જાણી લીધો, ને એક પછી એક એમ આશ્રમમાં નવા વણકરો તૈયાર થયા.
અમારે તો અમારાં કપડાં તૈયાર કરીને પહેરવાં હતા. તેથી મિલનાં કપડા પહેરવાનું હવે બંધ કર્યું, ને હાથસાળમાં દેશી મિલના સૂતરમાંથી વણાયેલું કાપડ પહેરવાનો આશ્રમવાસીઓએ ઠરાવ કર્યો. આમ કરવામાં અમને ઘણું શીખવાનું મળ્યું. હિંન્દુસ્તાનના વણકરોનાં જીવનની,તેમની પેદાશની, તેમને સૂતર મળવામાં પડતી મુશ્કેલીની, તેમાં તેઓ કેમ છેતરાતા હતા તેની, ને છેવટે તેઓ દિવસે દિવસે કરજદાર થતા હતા તેની ખબર પડી. અમે પોતે તુરત અમારું બધું કાપડ વણી શકીએ એવી સ્થિતિ તો નહોતી જ , તેથી બહારના વણકરોની પાસે અમારે જોઈતું કપડું વણાવી લેવાનું હતું. કેમ કે દેશી મિલના સૂતરનું હાથે વણાયેલું કપડું વણકરો પાસેથી ઝટ મળે તેમ નહોતું.વણકરો સારું કપડું બધું વિલાયતી સૂતરનું જ વણતા હતાં. કેમ કે આપણી મિલો ઝીણું સૂતર નહોતી કાંતતી. આજ પણ પ્રમાણમાં ઝીણું સૂતર તે ઓછું જ કાંતે છે, બહુ ઝીણું તો કાંતી જ શકતી નથી. મહા પ્રયત્ને કેટલાક વણકરો હાથ આવ્યા, જેમણે દેશી સૂતરનું કાપડ વણી આપવાની મહેરબાની કરી. આવણકરોને દેશી સૂતરનું વણેલું કાપડ ખરીદી લેવાની આશ્રમ તરફથી ખોળાધરી આપવી પડી હતી. આમ ખાસ તૈયાર કરાવેલું કાપડ વણાવી અમે પહેર્યું ને મિત્રોમાં તેનો પ્રચાર કર્યો. અમે તો કાંતનારી મિલોના બિનપગાર એજંટ બન્યા.મિલોના પરિચયમાં આવતાં તેમના વહીવટની, તેમની લાચારીની માહિતી મળી. અમે જોયું કે ; મિલોનું ધ્યેય પોતે કાંતીને પોતે વણવાનું હતું. તેઓ હાથસાળની ઇચ્છાપૂર્વક મદદગાર નહોતી, પણ અનિચ્છાએ હતી.
આ બધું જોઈને અમે હાથે કાંતવા અધીરા થયા. હાથે ન કાંતીએ ત્યાં લગી અમારી પરાધીનતા રહેવાની એમ જોયું. મિલોના એજંટ બનવાથી અમે દેશસેવા કરીએ છીએ એમ ન લાગ્યું.
પણ ન મળે રેંટિયો ને ન મળે રેંટિયો ચલાવનાર.કોકડાં વગેરે ભરવાના રેંટિયા તો અમારી પાસે હતા,પણ તેમની ઉપર કાંતી શકાય એવું તો ભાન જ નહોતું. એક વેળા એક બાઈને કાળિદાસ વકીલ શોધી લાવ્યા.તે કાંતી બતાવશે એમ તમણે કહ્યું. તેની પાસે એક આશ્રમવાસી, જે નવાં કામો શીખી લેવામાં બહુ પ્રવીણ હતાં, તેમને મોકલ્યા; પણ કસબ હાથ ન લાગ્યો.
વખત તો વહેવા લાગ્યો. હું અધીરો બન્યો હતો. ખબર આપી શકે એવા જે આશ્રમમાં ચડી આવે તેમને હું પૂછું. પણ કાંતવાનો ઈજારો તો સ્ત્રીનો જ હતો. એટલે ખૂણેખાંચરે કાંતવાનું જાણનારી સ્ત્રી તો સ્ત્રીને જ મળે.
ભરુચ કેળવણી પરિષદમાં મને ગુજરાતી ભાઈઓ સન ૧૯૧૭ની સાલમાં ઘસડી ગયા હતા.ત્યાં મહાસાહસી વિધવા બહેન ગંગાબાઈ હાથ લાગ્યાં. તમનું ભણતર બહુ નહોતું,પણ તમનામાં હિઁમત ને સમજણ ભણેલી બહેનોમાં સામાન્ય રીતે હોય છે તેના કરતાં વિશેષ હતાં. તેમણે પોતાના જીવનમાંથી અસ્પૂશ્યતાની જડ કાઢી નાખી હતી, ને તે બેધડક રીતે અંત્યજોમાં ભળતાં ને તેમની સેવા કરતાં. તેમની પાસે દ્રવ્ય હતું, પણ પોતાની હાજતો ઓછી જ હતી.શરીર કસાયેલું હતું, ને ગમે ત્યાં એકલાં જતાં મુદ્લ સંકોચ પામે તેવાં નહોતાં. ઘોડાની સવારી કરવાને પણ તે તૈયાર રહેતાં. આ બહેનનો વિશેષ પરિચય ગોધરાની પરિષદમાં કર્યો. મારું દુ:ખ મેં તેમની પાસે મૂક્યું, ને દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયાની શોધમાં ભમવાનું પણ લઈ મારો ભાર તેમણે હળવો કર્યો.