લખાણ પર જાઓ

સ્ત્રીસંભાષણ/પ્રકરણ બીજું

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ પહેલું સ્ત્રીસંભાષણ
પ્રકરણ બીજું
દલપતરામ
પ્રકરણ ત્રીજું →


પ્રકરણ બીજું

(બીજે દહાડે ગામડાનો ખેડુત શેલડીઓનો ભારો માણકચંદ શેઠને વાસ્તે લાવ્યો.)
ખેડુત : (સીપાઇને કહે છે.) માણકચંદ શેઠ ઘેર છે કે ? આ શેલડીઓ આપવી છે.
સીપાઈ : શેઠ તોવાડીએ પધાર્યા છે, ને શેઠાણી ઘેર છે, માટે તેમની પાસે લઈ જા.
ખેડુત : લ્યો શેઠાણી સાહેબ, આ શેલડીઓ, હું તમારે વાસ્તે લાવ્યો છું.
શેઠાણી : પેલી બાઈડી કોણ છે ?
ખેડુત : એ તો અમારી ઘરવાળી છે.
શેઠાણી : તમારી વહુ છે ?
ખેડુત : હા.

એક અંગ્રેજી કાગળ મારી પાસે છે, તે મારે કોઈને વંચાવવો છે, તે કેને વંચાવું ?}}

શેઠાણી : સામા ઘરમાં એક અંગ્રેજી ભણેલો વાણિયો રહે છે, તેને વંચાવ.
ખેડુત : એ વાણીઆનું નામ શું છે ?
શેઠાણી : એનું નામ મારાથી લેવાય એવું નથી, તારાચંદના બાપના નામે નામ છે.
ખેડુત : એનું નામ માણકચંદ શેઠ છે !
શેઠાણી : ચંદ નહીં, લાલ કહેવાય છે.
ખેડુત : એનું નામ માણકચંદલાલ છે ?
શેઠાણી : ઓ તારાચંદ, અહીં આવ્ય. પેલો અંગ્રેજી ભણેલો તારા બાપને નામે નામ છે, તેનું નામ આ પટેલને કહે.
તારાચંદ : "માણકલાલ."
શેઠાણી : હા, એ.

તમારા ઘરવાળાં કેમ વેગળાં ઉભાં થઈ રહ્યાં છે ?

ખેડુત : માથે આવી છે.
શેઠાણી : અટકાવ આવ્યો છે ?
ખેડુત : હા.
શેઠાણી : આજ કેટલા દહાડા થયા છે ?

(ચોથે દહાડે નાહ્યા પછી અડકાય ત્યાં સુધી ભંગીયાની પેઠે વેગળે રહે છે.)

ખેડુત : રસ્તામાં આવતાં અળગી થઈ.
શેઠાણી : શી ચિંતા છે ? અહીં બોલાવો, વેગળે આવીને બેસશે.
ખેડુત : અલી.

(ગરીબ લોકો પોતાની સ્ત્રીને અલી કહીને બોલાવે છે.)

પટલાણી : શું છે ?
ખેડુત : શેઠાણી તને બોલાવે છે, માટે તું અહીં આવીને વેગળી બેશ, ને હું આ શેલડીઓની બીજી ભારી છે તે હીરાચંદ શેઠને ઘેર આપી આવું.

(પટલાણી શેઠાણી પાસે બેઠીને ખેડુત હીરાચંદ શેઠને ઘેર ગયો.)

ખેડુત : લ્યો શેઠ આ શેલડીઓ તમારે વાસ્તે લાવ્યો છું.
અંબા : બાપા, કાલે મારી ઢીંગલીનો વિવા કરવો છે, તે બધી મારી ગોઠણો ભેળી થશે, તે અમે આ શેલડીઓની જમણવાર કરીશું.

(લૂગડાની પૂતળી તથા પૂતળો પરણાવાની છોડીઓ રમત કરે છે.)

હીરાચંદ : ઠીક છે, પણ મલુકચંદનો ભાગ પાડજો.
મલુકચંદ : મારા ભાગની શેલડિયો મને આપો. હું પણ મારા ગોઠીઆઓને માંહીથી વહેંચી આપીશ.
હીરાચંદ : પારકાં છોઅકરાંને ખવરાવી દેશો નહિ, તમે ખાજો.
અંબા : બાપા, એક રંગેત પૂતળી, ને એક લૂગડાની સારી ઢીંગલી ને એક ઢીંગલો, મારે રમવાને માગવી આપો.
મલુકચંદ : બાપા મારે વાસ્તે એક ભમરડો, ચકરડી ને કોયલ મગાવી આપો.
અંબા : મારે વાસ્તે રૂપાળા દાંતના કુકા (પડા) મગાવી અપજો. (ગામ વળાની સીમમાં ભીમની બેનના પડા છે.)
શેઠ : સારૂં, માગાવી આપીશું.
પેમકોર : પટેલ, તમે ક્યારે આવ્યા ? સારા છો કે ?

(મુલાકાત થતાં સારા છો ? એમ પૂછવાનો ચાલ છે.)

પટેલ : હમણાં હું આવ્યો છું. તમે સારાં છો ?
પ્રેમકોર : અહીં આવો, કેમ બે દહાડા પહેલા આવ્યા નહીં ?
પટેલ : અમારા ગામમાં મોતીચંદ વાણીઓ મરી જ્યો, એટલે હું આવી શક્યો નહીં.
પ્રેમકોર : બોલોમાં, બોલોમાં, એ તો મારો પીત્રાઈ કાકો થાય
છે, તે મારે એનું સ્નાન આવે.

(કોઈ સગો ગુજરી ગયો હોય એવું સાંભળવાથી અભડાય છે.)

પટેલ : અરે રામ, રામ, મને શી ખબર કે તમારે કાકો થતો હશે ? હવે તો તમે અભડાયાં.
પ્રેમકોર : ઓ ઝવેરચંદ, તમારે પણ સ્નાન કરવું પડશે.
ઝવેરચંદ : કોણ મરી ગયું ?
પ્રેમકોર : લૂગડાં ઉતારો એટલે કહું.

(જ્યારે કોઈને ગુજરી ગયાનું કહેવું હોય, ત્યારે પ્રથમ લૂગડાં ઉતરાવીને કહે છે, કારણ કે તે લૂગડાં ધોવાં ન પડે.)

ઝવેરવંદ : મારા બાપ તરફનું છે કે તમારી તરફનું છે ?

(મતલબ કે બાપના સગાનું છે કે માના પીયરના સગાનું છે.)

પ્રેમકોર : મારા પીયરની તરફનું છે.
ઝવેરચંદ : કોઈ ઘરડું બુઢું છે, બાળતાલનું છે, કે જુવાન મરી ગયું છે ?

(ઘરડાનું તથા બાળતાલનું મરણ ઝાઝી દીલગીરીનું ન હોય.)

પ્રેમકોર : છે તો ઘરડાબુઢાનું.
ઝવેરચંદ : કાણ માંડવી પડે એવું છે કે ?

(નજીકનું સગું હોય તો કાણ માંડવી પડે. કાણ એટલે સ‌ઉ સગાંવહાલાં ભેળાં થઈને રોતાં

રોતાં નદીયે નાહાવા જાય છે તે.)
પ્રેમકોર : ના, ના, એવાંની કેટલાંએકની કાણ્યો માંડીયે ? ઝાઝાં સગાં તે મહિનામાં બે ત્રણ કાણ્યો માંડવી પડે છે.
હીરાચંદ : મારે સ્નાન આવે એવું છે કે ?

(સ્ત્રીનું નજદીકનું સગું હોય તો ધણીને સ્નાન આવે નહીં તો ના આવે.)

પ્રેમકોર : જાણ્યામાં તો તમારે તો નહીં આવતું હોય; ને ઝવેરચંદને આવે.
હીરાચંદ : ઝવેરચંદ તું વેગળો જા. એટલે મને કહેશે.

(કારણ કે ઝવેરચંદ સાંભળે તો અભડાય.)

(ઝવેરચંદ વેગળે ગયો.)

પ્રેમકોર : મારો પીતરાઈ કાકો મોતીચંદ ગુજરી ગયો.
હીરાચંદ : ઓહો, એમાં તે શું. એ તો તારા બાપની દશમી પેહેડીએ હશે, તેનું સ્નાન ઝવેરચંદને તે શેનું આવે ? એ તો તારે જ આવે, માટે તું અભડાઈ, તે હવે નાહી લે.
પ્રેમકોર : ઓ નવલવહુ, પાણી લાવો, ને ખાળે મેલો, હું નાહી લેઉ.
નવલવહુ : લ્યો, આ પાણી નાહી લ્યો.
પ્રેમકોર : વહુ, જુઓ મારૂં શરીર ક્યાંઈ કોરૂં રહ્યું છે ?

(શરીર બધું ભીજાયું નહોય તો, જેને અડકે તે અભડાય.)

નવલવહુ : ના કોરૂં તો નથી રહ્યું. પણ તમે થોડુંક રૂવો તો ખરાં, રોયા વિના સ્નાન વળે નહીં.

(લોકો કહે છે કે રોયા વિના સ્નાન વળે નહીં.

કોઈ સ્ત્રીની શોક્ય મરી જાય, ત્યારે તે સ્ત્રી ઘણી ખુશી થાય. પણ તેનું સ્નાન કરતાં રોવું જોઈએ ખરૂં.)
પ્રેમકોર : હા. એ તો ખરૂં. પણ મને એકલાં રોતાં શરમ લાગે છે.

(નહાવાનું મરણું હોય, ત્યારે ઝાઝાં ભેળાં થઈને રૂવે)

નવલવહુ : એમાં શેની શરમ, સ્નાન કરવું તે રોયા વિના ચાલે નહીં.
પ્રેમકોર : પછી રોવા માંડ્યું.

(તે નીચે પ્રમાણે)

"મારા ભાગ્વાન બાપરે, તમે તો વખત પહોંચે વહી ગયા."
"તમને તો રામજીના ઘરનાં, તેડાં આવ્યાં રે, મારા દેવચંદ,"
"વીરાને વહેલો ઘેર મોકલજો, તમારાં કારજ કરવાં છે રે,"
"ઓ + []દેવચંદભઈ, કાકો ત્યાં આવ્યા છે, તેની ચાકરી કરજો
"બાપની શીખામણ માનીને વહેલા ઘેર આવજો, તારા"
"ઠામ ખાલી પડ્યાં છે. મારા મલુકચંદની જાનમાં, તારા વિના
"કેમ ચાલશે.

(બાઈડીયો પારકે ઘેર મ્હોવાળવા જાય ત્યારે પણ પોતાનું વહાલું સગું કોઈ મરી ગએલું હોય, તેને સંભારીને રૂવે છે, કારણ કે આંખ્યોમાં આંસુ તે વિના આવે નહીં.)

નવલવહુ : લ્યો હવે છાનાં રહો થયું. (પછે છાની રહી.)
હીરાચંદ : હવે તારા કાકાનું સ્નાન કર્યું તેનો શોગ પાળીશ નહીં ? (શોગ પાળે તે નાતમાં જમવા ન જાય, કસુંબલ લૂગડાં ન પહેરે, ગોળ, ખાંડ, સાકર, ન ખાય)
પ્રેમકોર : એ તો આ વખતમાં ભાગ્યવાન થઈ ગયા, દીકરાને ઘેર દીકરા છે. એવી આડીવાડી મુકીને ગયા. એમનો શોગ હોય નહીં.
હીરાચંદ : પણ તારી કાકી રાંડી ખરી કે નહીં ?
પ્રેમકોર : તે તો શું કરે, ધણી દીકરા પહેલાં, ચુંદડી મોડિયે જઈએ એવાં તો ક્યાંથી નશિબ હોય ?

(ધણી જીવતાં જે સ્ત્રી મરે તેની લાશને ચુંદડી મોડીઓ ઓઢાડીને બાળવા લઈ જાય છે.)

હીરાચંદ : તારે ત્યાં કાણે જવું પડશે કે ?

(કોઈ સગું મરી જાય તેને ઘેર રોવા-કુટવા જવાનો ચાલ છે.)

પ્રેમકોર : હું, ને ઝવેરચંદ એક દહાડો કાણે જઈ આવીશું, તમે ઘેર રહેજો.

  1. +પોતાનો ભાઈ ગુજરેલો દસવરસ ઉપર.