સ્વામી વિવેકાનંદ/નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ

વિકિસ્રોતમાંથી
← બુદ્ધગયાની યાત્રા સ્વામી વિવેકાનંદ
નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
પરમહંસદેવનું દેહાવસાન →


પ્રકરણ ૨૧ મું-નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ.

નિર્વિકલ્પ સમાધિ ! પરબ્રહ્મમાં અવસ્થિતિ ! આત્માનો વાસ્તવ પ્રદેશ ! બ્રહ્માનંદમાં ગરક બની તેમાંજ લીન થવું –તન્મય બની જવું ! પ્રાણ, મન, વિદ્યા, અવિદ્યા, દેશ, કાળ અને સર્વ કાર્ય કારણોથી પર-નિસ્ત્રૈગુણ્ય-સત્-ચિત્-આનંદમય થવું ! આત્માવડેજ આત્મામાં મગ્ન થવું ! જ્ઞાનોત્સેકવડે ચિજ્જડ ગ્રંથિને ભેદી નિજસ્વરૂપે થવું ! સર્વ વૃત્તિઓથી અને વસ્તુસ્થિતિઓથી પર એવી જે અનુભવાવસ્થા, કે જેને માટે “અનુભવ” કે “અવસ્થા” કે બીજા ગમે તે શબ્દો પણ અઘટિત હોઈને જેની યથાર્થ વ્યાખ્યા કે સ્વરૂપ કહેવાને વેદદ્રષ્ટાઓ પણ છેવટે નેતિ નેતિ કહીને વિરમે છે તે અવસ્થા ! અનેક ધન્યવાદ છે એના સુયોગ્ય સાધક જિજ્ઞાસુને અને અનેક પ્રણામ હો એમાં અનુભવસિદ્ધ નિષ્ઠા પામેલા કૃતકૃત્ય વક્તાને કે જેની વાણી બોધ કરતે કરતે મૂક બની જઈ ચિત્ત અચિત્ત ભાવ-તન્મયતાને પ્રાપ્ત થઈ જાય છે ! ધન્ય છે એ અવસ્થાના ઉત્કટ અભિલાષી મહાભાગ નર શિરોમણી નરેન્દ્રને અને વારંવાર નમન હો એના મહા ઉપદેશક નારાય સ્વરૂપ મહર્ષિ રામકૃષ્ણદેવને ! !

આપણા મહર્ષિઓએ શાત્રીય અને બ્રહ્મનિષ્ટ ગુરૂના સહવાસની આવશ્યક્તા ભાર દઈને દર્શાવી છે તેનું કારણ એજ છે કે તેવા જીવનમુક્ત પુરૂષજ પોતાના ઉન્નત ચારિત્રથી, બ્રહ્મવાર્તાથી અને તે કરતે કરતે આપો આપ પ્રાપ્ત થઈ જતી સ્વરૂપાવસ્થિતિથી જિજ્ઞાસુની બુદ્ધિને બ્રહ્માભ્યાસ તરફ વાળી શકે છે; અનેક રીતે પ્રોત્સાહન તેમજ બળ આપી શકે છે; અને પરિણામે એ સ્વરૂપાવસ્થિતિને પ્રાપ્ત કરાવી કૃતકૃત્ય બનાવી મૂકે છે. નરેન્દ્રને એવાજ સુયોગ્ય પરમકૃપાળુ ગુરૂદેવ મળી ગયા હતા અને વધારે મહત્ત્વની વાત તો એ હતી કે તેણે છેવટ સુધી તેમની સેવા અને સમાગમ ચાલુ રાખ્યો હતો.

ભગવાન શ્રીકૃષ્ણે જાતેજ અર્જુન જેવા સદાચારી અને બલિષ્ટ પુરૂષને અનેક પ્રકારે તત્ત્વજ્ઞાન સમજાવ્યું હતું અને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવીને તે જ્ઞાનમાં તેમજ ઉપદેશક તરીકેની પોતાની યોગ્યતામાં તેને શ્રદ્ધા ઉપજાવી હતી; તોપણ તેનું દૃઢ પરિણામ તો એ સમયનો તેનો વિષાદ દૂર થઇને તેને પોતાના તત્કાલિન ધર્મરૂપ યુદ્ધમાં જોડવા પુરતુંજ હતું. યુદ્ધ ધર્મથી નિવૃત્ત થયા પછીથી તે એ તત્ત્વજ્ઞાનને પાછું તાજું તથા સંસય રહિત કરીને નિદિધ્યાસનધ્યાન દ્વારા પરદશાને પ્રાપ્ત થઈને કૃતકૃત્ય બની રહે તેટલા માટે તેમણે વધારામાં તેને ઉપદેશ્યું હતું કે,-

तद् विद्धि प्रणिपातेन परि प्रश्नेन सेवया ।
उपदेष्यंति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः ।।

અર્થાત્ જ્ઞાની અને તત્ત્વદર્શિ પુરૂષોને પ્રણામ, પ્રશ્ન અને સેવા કરીને તે તત્ત્વજ્ઞાનને અને તત્ત્વદર્શનને તું સિદ્ધ કરજે.

બાધક વસ્તુસ્થિતિઓ અને કર્મોથી ઉપરામતા રૂ૫ વૈરાગ્ય અને સાધક વસ્તુસ્થિતિઓ તથા કર્મોના સેવનરૂપ અભ્યાસ આ બન્ને અતિ મહત્વની બાબતોમાં એ પ્રકારના સજ્જન સંગથી જે અસામાન્ય સહાય સહજે મળી આવે છે તે બીજી કોઈપણ રીતે મળવી કઠિન છે.

ઉપર જણાવી તેની પરાવસ્થાને ક્ષણ માત્ર પણ પ્રાપ્ત થનાર મનુષ્ય જે અડગ નિશ્ચયનો, જીવનમુક્તિનો અને કૃતકૃત્યતાનો ભાગી બની રહે છે, તેનો જિજ્ઞાસુને કાંઈ પણ ખ્યાલ આપવા માટે નીચલા બે શ્લોક ઠીક ઉપયોગી છે.

स्नानं तेन समस्ततीर्थ सलिले सर्वापि दत्तावनि-
र्यज्ञानां च कृतं सहस्रमखिला देवाश्च संपूजिताः ।

संसाराच समुद्धृताः स्वपितरस्त्रैलोक्यपूज्योप्यसौ
यस्य ब्रह्मविचारणे क्षणमपि स्थैर्य मनः प्राप्नुयात् ।

અર્થાત્ જેનું મન બ્રહ્મચિંતન કરતે કરતે ક્ષણ માત્ર પણ તેમાં સ્થિરતાને પામે ( નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાય ) તેણે સર્વ તીર્થમાં સ્નાન કર્યું; સંપૂર્ણ પૃથ્વીનું દાન કર્યું; હજાર યજ્ઞ કર્યા; સર્વ દેવતાઓનું પૂજન કર્યું; સંસારમાંથી પોતાના પિતૃઓના ઉદ્ધાર કર્યો; અને ત્રણે લોકમાં પૂજ્ય પણ તેજ પુરૂષ છે.

कुलं पवित्रं जननी कृतार्था वसुंधरा पुण्यवती च तेन ।
अपार संवित्सुख सागरोर्स्मिंल्लीनं परे ब्रह्मणि यस्य चेतः।।

અર્થાત્ અપાર જ્ઞાન તથા સુખના સાગર સ્વરૂપ આ પરબ્રહ્મને વિષે જેનું ચિત્ત લીન થયું છે, તે જે કુળમાં અવતર્યો તે કુળ પવિત્ર છે. જે જનનીને પેટે તે જન્મ્યો તે જનની કૃતાર્થ છે. જે ભૂમિપર તે વસે છે તે ભૂમિ પુણ્યવાન છે.

એવા પરમાત્મ સાક્ષાત્કારને પામેલા પુરૂષોજ જગતમાં મહાન ધર્મસ્થાપક, પ્રતિભાશાળી આચાર્ય અથવા અમોઘ ઉપદેશક બની શકે છે. રાજા કે નેતાના પદ ઉપર તેઓ હોય તો તે પદને પણ દીપાવે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ એવી મહદ્ કોટીના પુરૂષ હોવાથીજ તેઓ જગતનું અસામાન્ય કલ્યાણ કરી શકતા હતા અને તેમનો સહવાસ તેમજ સદુપદેશ એટલો બધો અસરકારક નિવડતો હતો. નરેન્દ્ર જેવા પ્રતિભાવાન, સંસ્કૃત અને અંગ્રેજીના સુજ્ઞાતા, પાશ્ચાત્ય શિક્ષણના રંગથી રંગાયેલા, અને નાસ્તિકપણાની હદે પહોંચી ચૂકેલા યુવકને ચૂસ્ત વેદાંતિ, સર્વ ધર્મપ્રેમી, અને કૃત કૃત્ય જીવન્મુક્ત બનાવવાને એવી અસામાન્ય યોગ્યતાને લીધેજ તેઓ સફળ થઈ શક્યા હતા.

શ્રી રામકૃષ્ણની સમાધિ કોઈવાર સવિકલ્પ થતી તો કોઈવાર નિર્વિકલ્પ થતી. કેટલીક વખત તો માત્ર ભાવસમાધિજ તેમને પ્રાપ્ત થતી. કોઈ વખત અમુક લાગણી કે ઊર્મિ રૂપે જ તે પ્રગટ થતી. તો ક્વચિત તે માતા કાલી જોડે જ વાર્તાલાપ કરતા જણાતા ! તેમની આ અનેકવિધ સમાધિ જોઈને શિષ્યો ચકિત બની જતા. નરેન્દ્ર પણ આશ્ચર્ય પામતો. તેના મનમાં થતું કે આવી સ્થિતિને પ્રાપ્ત કરવી એજ જીવનના ખરો હેતુ છે; એજ ખરો પુરૂષાર્થ અને કર્તવ્યનો અવધિ છે. તેણે નિશ્ચય કર્યો હતો કે આવી સ્થિતિ પ્રાપ્ત કરવી જ જોઈએ. એ પ્રાપ્ત થયા વિનાનું બધુંજ નકામું ! શ્રી રામકૃષ્ણની માફક તેણે પણ સમાધિસ્થ થવુંજ જોઇએ ! જે શ્રી રામકૃષ્ણે પ્રાપ્ત કર્યું છે તે સર્વે તેણે પ્રાપ્ત કરવું જ જોઈએ ! તેણે નિર્વિકલ્પ સમાધિ મેળવવીજ જોઇએ! શ્રી રામકૃષ્ણ પાસેથી હવે નરેન્દ્રને છેલ્લામાં છેલું જે મેળવવાનું હતું તે આ નિર્વિકલ્પ સમાધિજ હતી. જે નિર્વિકલ્પ સમાધિ અનેક તપ અને શ્રમ વેઠીને શ્રી રામકૃષ્ણે પ્રાપ્ત કરી હતી તે જાણે કે કોઈ ખાવા પીવાની વસ્તુ હોય તેમ નરેન્દ્ર માગતો હતો ! જ્યારથી અદ્વૈતવાદમાં તેણે પ્રવેશ કર્યો ત્યારથી તે આ સમાધિની માગણી કરી રહ્યો હતો. બ્રહ્મભાવને પ્રાપ્ત કરાય, આત્મદર્શનવડે ભવાટવીના કારણ રૂ૫ કારણ શરીરજીવ ભાવ સદાને માટે નષ્ટ થઈ જાય, સર્વ બંધનોના મૂળ રૂપ જે અનાત્મ પ્રત્યેનો આત્મભાવ તે અહંભાવના મન વાણીથી અતીત આત્મ પ્રદેશમાં લય થાય–આવી પ્રાર્થના નરેન્દ્ર શ્રી રામકૃષ્ણને કરી રહ્યો હતો.

નરેન્દ્રે અનેક આંતર બાહ્ય વસ્તુસ્થિતિઓનાં દર્શન કર્યા હતાં. અહંબ્રહ્માસ્મિના નિદિધ્યાસન વડે તેનો આનંદમયકોષ ખીલી ઉઠીને તેને ભાવસમાધિ-સવિકલ્પ સમાધિ અનેકવાર આવી જતી. પણ તે સર્વ નામ રૂપાત્મક માયીક પ્રદેશજ ગણાય. નરેન્દ્ર તે સર્વથી પર એવી નિસ્ત્રૈગુણ્ય-માયાતીત–નિજાત્મ વસ્તુના સાક્ષાત્કારને ઇચ્છી રહ્યો હતો. ચિદ્ શક્તિરૂપી અગાધ મહાસાગરમાં ડુબકી મારી તેનો તળસ્પર્શ કરી આત્માનુભવરૂપી અનુપમ ખજાનો હાથ કરી લેવાનો તેનો નિશ્ચય હતો. ઉપનિષદોનાં રહસ્યનો એ પ્રકારનો સાચો અનુભવ ન કરાય તો સર્વ શ્રમ અને માનવ જન્મ વૃથાજ ગયો, એવી તાલાવેલી તેને લાગી રહી હતી. તેમાં વળી શ્રી રામકૃષ્ણના વધતા જતા મંદવાડે તેને અધીરો બનાવી મૂક્યો હતો.

શ્રી રામકૃષ્ણ આગળ હવે તો બસ એજ વાતની તે હઠ લઈ બેઠો ! સઘળા શિષ્યોને નરેન્દ્રની માગણી ઘણીજ અશક્ય જણાવા લાગી; પણ તેઓ હજી તેના અધિકારને સમજી શક્યા નહોતા. અંતરાત્માના જે ઉચ્ચ પ્રદેશમાં-જે એકાગ્રતામાં અને જે અંતિમ આનંદમય કોષમાં નરેન્દ્રનો અંતરાત્મા ઉડી રહ્યો હતો ત્યાં સુધી તેમના આત્માઓ હજી પહોંચી શક્યા નહોતા.

એક તરફ શ્રી રામકૃષ્ણ વધારેને વધારે અશક્ત થતા જતા હતા અને બીજી તરફ ઉતાવળમાં પડી ગએલો નરેન્દ્ર વધારેને વધારે અભ્યાસ કરતો ચાલી પોતાની આધ્યાત્મિક શક્તિને ખીલવ્યે જતો હતો. જાણે આધ્યાત્મિકતાની એક મહાજ્યોતિ હોય તેવોજ તે દેખાતો હતો. તે એક સિંહની માફક ચાલતો. શ્રી રામકૃષ્ણે તેને અભયદાન આપી મૂક્યું હતું કે “શ્રી જગદંબાની માયા પણ તને નુકશાન કરી શકનાર નથી.” તેઓ જે જે સાધન અને અભ્યાસ બતાવતા તે નરેન્દ્ર તન્મયતાથી સાધતો; પરંતુ છેવટના ફળને માટે હવે તે અત્યંત અધીર બની રહ્યો હતો. એક રાત્રે બગીચામાં ધુણી સળગાવીને તે આખી રાત તેની પાસે એજ વાતની ચિંતામાં બેસી રહ્યો. એ પછી એક દિવસ તે અધીર બનીને શ્રી રામકૃષ્ણ પાસે ગયો અને બહુ બહુ વિનવીને કહેવા લાગ્યો “દેવ, મને નિર્વિકલ્પ સમાધિ આપો.” શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યોઃ “જ્યારે હું સાજો થઈશ ત્યારે તું માગીશ તે આપીશ” અધીર નરેન્દ્ર ભોળેભાવેજ બોલી ઉઠ્યો "પણ તમે મરી ગયા તો પછી મને શું મળશે !”

શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા “ફરી કહે, ફરી કહે, તારે શું જોઈએ છીએ ?” નરેન્દ્રે જવાબ આપ્યો “મહારાજ, અઠવાડીયામાં શુકદેવજીની માફક પાંચ છ દિવસ સુધી સમાધિસ્થ રહું અને પછી પાછો થોડોક સમય ઉત્થાનને પામું અને પાછો ફરીથી સમાધિમાં લીન થાઉં એમ કરો.” શ્રી રામકૃષ્ણ નરેન્દ્રના ઉચ્ચતર અધિકારને અને મહા બલિષ્ઠ પરોપકારક પ્રારબ્ધને યથાવત સમજી ચૂકેલા હોવાથી જરા આકરા થયા અને બોલ્યાઃ “ધિક છે, શરમ છે તને ! તું એક મહાપાત્ર (અધ્યાત્મ શક્તિઓનું) છે તેને આમ બોલવું શું છાજે છે? મેં તે ધાર્યું હતું કે તું એક મહા વટવૃક્ષ જેવો હોવાથી સંસારથી કંટાળેલા અસંખ્ય મનુષ્યોને તું આશ્રય આપવા ઈચ્છીશ, પણ તેને બદલે તું તો તારાજ સુખમાં–સમાધિમાં પડી રહેવા માગે છે ! દીકરા ! ભૂલે ચુકે હવે કોઈવાર આવી ઇચ્છા કરીશ નહિ. પરમાત્મ દર્શન કરીને એકવાર કૃતકૃત્ય અવશ્ય થા, પરંતુ તે પછીને માટે આવા સ્વાર્થી–એક માર્ગી આદર્શથી તું કેવી રીતે સંતુષ્ટ થવાનો છે ! મારો આદર્શ સર્વમયતા–સર્વાત્મભાવ છે. સમાધિમાં પરબ્રહ્મ પરમાત્માને-નિજસ્વરૂપને અનુભવીને હું પણ અનુપમ આનંદ મેળવું છું; પણ તે દશાપર હવે મને રાગ નથી, તેમ ઉત્થાન દશાપર દ્વેષ નથી. સર્વ દશા અને દિશાઓથી પર એવા નિજાત્મભાવનું સ્મરણ ઉત્થાન દશામાં પણ સમાધિ તુલ્ય થઈ પડતું હોઈને આ અનેક શરીરોરૂપી મારાં પોતાનાંજ જુદાં જુદાં માનવ દેવળોમાં-ભૂત માત્રમાં–પરમાત્માનેજ-મને પોતાનેજ વ્યાપી રહેલો સમજું છું–અનુભવું છું. તું પણ તે પ્રમાણેજ કર. પોતાને માટે કૃતકૃત્ય આત્મજ્ઞાની થવા સાથે પોતાનાં જ અન્ય શરીરરૂપ સર્વ ભૂત માત્રને માટે તારી પ્રકૃતિમાં જે પ્રબળ અને સ્વાભાવિક સહાનુભૂતિ રહેલી છે તેને માર્ગ આપ.”

વાંચનારે આ સ્થળે મનમાં એમ ધારવું નહિ કે વેદ, ઉપનિષદાદિ પવિત્ર ગ્રંથોએ જેનો મહિમા ગાયો છે, જેને તેઓએ અનેક રીતે વર્ણવ્યો છે, જેની પ્રાપ્તિ માટે ઉપનિષદો પોકાર કરી રહેલાં છે, જેની ઉચ્ચ દશા તેઓ અનેક રીતે દર્શાવી રહ્યાં છે, તે મોક્ષની અથવા તો જીવન્મુક્તની સમાધિમય સર્વોચ્ચ ભૂમિકાની મહત્તા શ્રીરામકૃષ્ણના મનમાં ઓછી હતી. આત્માનુભવની ઉચ્ચ દશા, આત્મમયતા કે સમાધિ દશાને શ્રી રામકૃષ્ણ જરાકે ઓછી ગણતા નહોતા. પણ જ્યારે લાખો મનુષ્ય અજ્ઞાનરૂપી અંધકારમાં ડુબી રહેલાં હોય, જ્યારે જડવાદની સત્તા વધતી ચાલી હોય; આધિ, વ્યાધિ અને ઉપાધિથી અનેક મનુષ્યો પીડિત થઈ રહેલાં હોય; વળી નરેન્દ્રના ગુણ, સ્વભાવ અને પ્રારબ્ધ પણ અમુક પ્રકારનાં જણાઇ ચૂક્યાં હોય; ત્યારે પછી તે સમાધિમાં ગરક થઈ એક ખુણામાં બેસી રહેવા ઇચ્છે એ શ્રીરામકૃષ્ણ જેવા સૂક્ષ્મદર્શિ મહાત્માને ગમેજ કેમ ? आत्मवत् सर्व भूतेषु એ મહાસિદ્ધાંતને આચરી રહેલા શ્રીરામકૃષ્ણનો આત્મા બીજાના દુઃખથી અત્યંત દુઃખી થતો અને પોતાના આત્મસુખને વેગળું કરીને પણ દુઃખી મનુષ્યને સહાય કરવાને તે તત્પર થતા. પોતાનું આ આચરણ પોતાના શિષ્યમાં લાવવાનું અને તેને તેના અધિકાર તથા પ્રારબ્ધને બંધબેસ્તી થાય એવા પ્રકારની જીવન્મુક્ત દશા સમજાવવાનેજ તેમણે નરેદ્રને ઉપર પ્રમાણે કહ્યું હતું.

શ્રી રામકૃષ્ણનો ઉપલો ઠપકો સાંભળીને નરેન્દ્ર રોઈ પડ્યો. તે તેમના કહેવાનો ભાવાર્થ સમજી ગયો. શ્રી રામકૃષ્ણ જાણતા હતા કે નરેન્દ્ર બીજાને માટે અત્યંત લાગણીવાળો અને અસામાન્ય બળવાન હોવાથી તે વિશ્વની મુક્તિ માટે પ્રયાસ કરશે ! તેમની એજ ઈચ્છા હતી કે તેણે આત્માનુભવ પ્રાપ્ત કરી તેનો અનુપમ લાભ સર્વ જગતને આપવો, અને આ સંસાર સાગરમાં ડુબકાં ખાઈ રહેલાં પ્રાણીઓમાંથી જેટલાના પણ ઉપકારક થવાય તેટલાના થવું. એક સુંદર ફુવારો જેમ પોતાની જળધારાઓ આસપાસ પ્રસરાવી મુકે છે તેમ નરેન્દ્રે પરમ સત્યના પ્રવાહ જગતના કલ્યાણને માટે સર્વ દિશાઓમાં વહેવરાવી મુકવો.

શ્રીરામકૃષ્ણ કહેતા કે મહાપુરૂષો બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારના મહાપુરૂષો બ્રહ્માનંદમાં જ મગ્ન થઈ તેમાંને તેમાંજ સ્થિત રહે છે. સર્વ જગતનું ભાન તેઓ ભુલી જ જાય છે. છતાં પણ તેમનો સ્વાનુભવ એની મેળેજ જગતમાં ધીમે ધીમે પ્રસરે છે. બીજા પ્રકારના મહાપુરૂષો બ્રહ્મભાવને પામી જગતમાં વિચરે છે, બીજાને પરમ સત્યનો સ્વાદ ચખાડે છે અને આમ જગતની સેવા કરે છે. તેમનો બ્રહ્માનંદ-આત્માનંદ-ભૂતદયામાં બદલાઈ જાય છે. આવા મહાપુરૂષો જગતના ગુરૂઓ બને છે. તેઓ કર્તા છતાં કર્તાપણાના ભાવને પામી ચૂકેલા હોવાથી કોઈપણ શુભવૃત્તિ તેમના વિદેહ મોક્ષની આડે આવી શકતી નથી.

નરેન્દ્રનું મન પહેલા પ્રકારના મહાપુરૂષ થવાને માટે ઈચ્છા કરતું હતું. પણ શ્રી રામકૃષ્ણ જાણતા હતા કે એનો ગુણ કર્મ સ્વભાવ બીજા પ્રકારના મહાપુરૂષ થવાને માટે જ યોગ્ય છે અને તેથીજ તેઓ તેને વટવૃક્ષની માફક થવાનું કહેતા હતા. તે કહેવા લાગ્યા: “સમાધિમાં પાંચ છ દિવસ પડી રહેવા કરતાં અનેકના શ્રેયનું કાર્ય કરવામાંજ તારો અધિકાર છે.” કોઈ પણ દિવસ કરડી નજર ન કરે એવા શ્રી રામકૃષ્ણ આજે જરાક કરડી નજર કરીને ઉપર પ્રમાણે નરેન્દ્રને ઠપકો આપ્યો.

નરેન્દ્રની બુદ્ધિ સર્વ સંશય વિપર્યયોથી શાંત થઈ અદ્વૈત આત્મનિશ્ચયને તો ક્યારની પ્રાપ્ત થઈ ચૂકી હતી. એકાગ્રપણે આત્મ ધ્યાન કરીને તે અલૌકિક આનંદ પણ અનુભવતો. પરંતુ સચ્ચિદાનંદ વસ્તુમાં ત્રિપુટીના લયરૂપ જે નિર્વિકલ્પ સમાધિ અલ્પ્ સમય પણ પ્રાપ્ત થતાં ચિજ્જડ ગ્રંથી ભેદાઈ જઈ અનુભવની દશાએ પહોંચાય છે; અને જન્મ મરણના તથા સર્વ દ્વંદ્વોના બીજ રૂપ કારણ શરીર તે અનુભવરૂપી જ્ઞાનાગ્નિવડે દગ્ધ થઈ અભ્યાસી મનુષ્ય જિજ્ઞાસુ મટીને કૃત કૃત્ય-જીવનન્મુક્ત બની રહે છે; તે દશા હજી સુધી તે પ્રાપ્ત કરી શક્યો નહતો.

ઉપલા બનાવ પછી શ્રી રામકૃષ્ણદેવની અસામાન્ય કૃપા અને નરેન્દ્રના પરમ પુરૂષાર્થના યોગે એક દિવસ સાયંકાળે નરેન્દ્ર આત્મધ્યાન કરતે કરતે સંપ્રજ્ઞાતમાંથી અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત થઈ ગયો ! અદ્‌ભુત આનંદનો ભોક્તા આનંદ રૂપે જ અવસ્થિત બની કૃત કૃત્ય થયો ! જીવ ટળી શિવ બન્યો ! શરીર છતાં અશરીરી અને કર્તા છતાં અકર્તા ભાવને પામ્યો ! સાક્ષાત સરસ્વતી પણ ગમે તેટલાં વાક્યો કે શબ્દોથી જેને વર્ણવી ન શકે તે પરાકાષ્ટાએ–પરગતિએ—પહોંચ્યો ! પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ યોગી, નૈષ્ઠિક બ્રહ્મચારી, બુદ્ધિ અને સૌંદર્યનો સાગર, જન્મથીજ એકાગ્રતા વગેરે શક્તિઓ લઇને અવતરેલો, એવો મહાભાગ નરેન્દ્ર એ દશામાં ત્રણેક કલાક રહ્યો.

નરેન્દ્રની ઉપલી દશા તેના એક ગુરૂભાઈના જોવામાં આવતાં તે ગભરાઈ ગયો. શું કરવું તે નહિ સુઝવાથી તેણે સર્વને બુમો પાડી, એકદમ સર્વે દોડી આવ્યા, તેમણે નરેન્દ્રનો શ્વાસ પણ બંધ થયેલો જોયો એટલે નરેન્દ્ર મૃત્યુને વશ થયો છે એમજ ધારી લીધું !

જાણે ઈશ્વરેજ સૌને બોલાવ્યા હોય તેમ સર્વે બોલી ઉઠ્યા “ચાલો, ગુરૂદેવ પાસે જઈએ !” એક બે જણા રહીને બાકીના ગયા, તે વખતે શ્રીરામકૃષ્ણ અત્યંત શાંતિ ભોગવતા ગંભીર ચહેરે બેઠા હતા. શું બન્યું છે તે સર્વે તે જાણતા હતા. શિષ્યો ગભરાઇને ઉતાવળા ઉતાવળા બોલવા લાગ્યા, પરંતુ શ્રીરામકૃષ્ણ તો ખડખડ હશીજ પડ્યા ! પછી તેમણે કહ્યું : “એને રહેવા દ્યો ! એ સ્થિતિ માટે એણે મને બહુજ પજવ્યો છે !” શ્રીરામકૃષ્ણના બોલવા ઉપર શ્રદ્ધા રાખી, એ જે કરશે તે સારૂંજ કરશે એમ ધારી સર્વ શિષ્યો નરેન્દ્રની પાસે ગયા.

રાત્રે નવ વાગતા સુધી નરેન્દ્ર તેની તેજ સ્થિતિમાં રહ્યો. પછી એનો પ્રાણ ધીમે ધીમે ચાલુ થઈ જરા જરા ભાન આવવા માંડ્યું. શિષ્યોએ તેને નામ દઈને બોલાવવા માંડ્યો ત્યારે જાણે કે બહુ દૂરથી અવાજ આવતો હોય તેમ નરેન્દ્રને ભાસવા લાગ્યું અને ધીમે ધીમે તે શુદ્ધિમાં આવ્યો.

આ વખતની તેની દશા અલૌકિક હતી. તેનું હૃદય એવું તો આનંદમગ્ન હતું કે તે બોલી શક્યો નહિ. ભઠ્ઠીમાંથી તુરતના કહાડી લીધેલા લાલચોળ લોહની પેઠે તે દિવ્ય આત્મ પ્રકાશથી ભરપુર હતું. એક પ્રકારનો અલૌકિક મનોભાવ તેના ચહેરા પર વ્યાપી રહ્યો હતો. તે એકદમ ઉઠી શ્રીરામકૃષ્ણ પાસે જવા લાગ્યો. તે તેમની ઓરડીમાં પેઠો શ્રીરામકૃષ્ણ પોતાના આ મસ્ત શિષ્યની આંખો તરફ તાકીને જોઈ રહ્યા અને બોલ્યા “હવે માતાજીએ તને સઘળું બતાવ્યું છે.”

સર્વેએ એ રાત્રિ ભજન કીર્તનમાંજ ગાળી. સર્વત્ર પવિત્રતા, આનંદ અને આધ્યાત્મિક અનુભવના ભણકારા વ્યાપી રહ્યા. નરેન્દ્ર પોતાનો અનુભવ સર્વને કહેવા લાગ્યો. પછી શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને ઉપદેશ કર્યો કે તેણે પોતાના દેહ તરફ બે પરવા ન બનતાં તેની યોગ્ય સંભાળ લેવી અને ખોરાક તથા સાથીઓની પસંદગી કરવામાં ઘણોજ વિવેક વાપરવો.