પૃષ્ઠ:Balvartao.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વાઘનો ખજાનો

રતનપુર ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. સવારથી સાંજ સુધી એ ભિક્ષાવૃત્તિ કરતો. પરંતુ કુટુંબનું પૂરું નહિ કરી શકતો. બાળકોને ખવડાવ્યા પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી અડધુંપડધું ખાઈને સૂઈ જતાં. કોઈ પ્રસંગ હોય ત્યારે જ તેઓને ભરપેટ જમવા મળતું.

પોતાની દરિદ્રતાથી બ્રાહ્મણ ખૂબ જ કંટાળી ગયો હતો. આથી તેણે પરગામ જવા વિચાર કર્યો. બ્રાહ્મણીને પણ થયું કે, પરગામ જવાથી જગ્યા બદલાશે અને કદાચ નસીબનું પાંદડું ફરે તો બે પૈસા પતિ કમાઈ લાવશે.

સારું મુહૂર્ત જોઈને બ્રાહ્મણ ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં એ એક જંગલમાં આવ્યો. ત્યાં એક મોટું પિંજરું પડેલ હતું અને અંદર એક વાઘ આંટા મારી રહ્યો હતો. વાઘની નજર બ્રાહ્મણ પર પડી. તે મસ્તક ઝુકાવી બ્રાહ્મણને કહેવા લાગ્યો :

'પ્રણામ ! મહારાજ ! ક્યાં જઈ રહ્યા છો ?'