પૃષ્ઠ:Balvartao.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'બાજુના શહેરમાં.' બ્રાહ્મણે જવાબ આપ્યો.

'મારું એક કામ ન કરો ?'

'શું ?'

'એક શિકારી મને આમાં પૂરી ગયો છે. હવે એ આવવાની તૈયારીમાં જ હશે. એ આવશે એટલે મને મારી નાખશે. તમે દયા કરીને આ પિંજરું ખોલી નાખો, જેથી હું મારા પ્રાણ બચાવી શકું.'

'ના, ભાઈ ! તારું પિંજરું ખોલું અને તું બહાર નીકળ્યા પછી મને જીવતો છોડે કે ?' બ્રાહ્મણે જવા માટે પગ ઉપાડ્યો.

'અરે, મહારાજ ! મારી પૂરી વાત તો સાંભળો !'

બ્રાહ્મણ અટકી ગયો.

'તમે મને છોડશો તેના બદલામાં હું તમારો જીવ લઉં એવો નગુણો નથી. મારી પાસે એક ખજાનો છે. તે હું તમને આપી દઈશ.'

ખજાનાની વાત સાંભળી બ્રાહ્મણના પગ અટકી ગયા.