પૃષ્ઠ:Balvartao.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેને થયું, ખજાનો મળી જાય તો આગળ જવું મટશે.

શાંતિથી મારું કુટુંબ ખાઈ-પીને લહેર કરશે અને એ માટે આ વાઘને આ પિંજરામાંથી બહાર કાઢવાનું જોખમ તો ઉઠાવવું જ રહ્યું. એ પીગળી ગયો.

એણે કહ્યું, 'સારું. હું તને બહાર કાઢવા તૈયાર છું. પણ પછી તું મને મારી તો નહિ નાખે ને ?'

'મારો વિશ્વાસ કરો, ભૂદેવ ! બ્રહ્મહત્યાનું પાપ વહોરીને હું કયા ભવે છૂટવાનો હતો !'

લાલચને વશ થયેલા તે બ્રાહ્મણે લાંબો વિચાર ન કર્યો અને પિંજરાનું બારણું ખોલી નાખ્યું. તે સાથે જ વાઘ બહાર કૂદી પડ્યો. પિંજરું નાનું હોવાથી તેનું શરીર જરા અકડાઈ ગયું હતું. એટલે બહાર નીકળીને એણે બે-ત્રણ આળસ મરડી. અને પછી એણે બ્રાહ્મણ સામે જોયું. પેટમાં કકડીને ભૂખ લાગી હતી. સામે માનવદેહ હતો. હવે કેમ રહેવાય ! વાઘે શિકારી નજરે બ્રાહ્મણ સામે જોઈ તરાપ મારવાની તૈયારી કરી.