પૃષ્ઠ:Balvartao.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બ્રાહ્મણ તેની આંખ જોઈને સમજી ગયો કે, વાઘ તેના પર કૂદવાની તૈયારી કરે છે. 'અરે ભાઈ ! મને તારી નિયત બદલાયેલી લાગે છે. તું મને મારી તો નહિ નાખે ને ! મને પહેલાં ખજાનો બતાવ.'

'મહારાજ ! હું બહુ ભૂખ્યો છું. મને ક્ષમા કરો. તમે સામે છો એટલે હવે મને કંઈ યાદ આવતું નથી. બસ ભૂખ યાદ આવે છે.'

બ્રાહ્મણે વિચાર્યું, આ વાઘ પર વિશ્વાસ કરીને મેં ઘણી ભૂલ કરી. પણ હવે શું થાય ? આ નિર્જન જંગલમાં કોઈ છે નહિ જે મારી મદદ કરે. ત્યાં એની નજર એક શિયાળ પર પડી. તે એ બન્નેને આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. એના મનમાં આશા જાગી. એણે શિયાળને બૂમ મારી : 'ઓ શિયાળભાઈ ! જરા અહીં આવો ! અમારો એક ન્યાય કરી આપો ને !'

વાઘ ચમક્યો. શિયાળ ! ચાલો બે ભોજન મળશે. તેણે પણ શિયાળને આવકાર આપ્યો. શિયાળ નજીક આવ્યું. એટલે બ્રાહ્મણે પોતાની વાત કરી અને કહ્યું, 'શિયાળભાઈ ! અમારો ન્યાય કરો. આ વાઘે મને વાત થયા મુજબ ખજાનો આપવો જોઈએ ને !'