પૃષ્ઠ:Balvartao.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શિયાળ સમજી ગયું કે, આ વાઘે બિચારા આ ગરીબ બ્રાહ્મણને ફસાવ્યો છે. એને બચાવવો જોઈએ. શિયાળે કહ્યું, 'અરે ભૂદેવ ! તમારી મતિ ફરી ગઈ લાગે છે ! તમે બન્ને મને બનાવતા લાગો છો. આટલા નાના પિંજરામાં કંઇ આ વાઘ સમાઈ શકે !'

વાઘને થયું, 'કમાલ છે ! હું આ પિંજરામાં હતો એ વાત સ્વીકારવા જ શિયાળ તૈયાર નથી !' વાઘ જરા મૂર્ખ હતો. એ કહે,

'અરે ! મૂર્ખ શિયાળ ! હું તને હમણાં જ બતાવું છું કે હું આ પિંજરામાં કેવી રીતે હતો ? કહીને વાઘ પિંજરામાં ઘૂસ્યો. તે જ ક્ષણે શિયાળે બ્રાહ્મણને ઈશારો કર્યો. અને તે જ ક્ષણે બ્રાહ્મણે પિંજરાનો દરવાજો બંધ કરી દીધો. વાઘ એકદમ ઉછળ્યો. પણ પિંજરાના બંધ દરવાજા સાથે અથડાઈને નીચે પડ્યો.

'વાઘમામા ! હવે હું માનું છું કે, તમે આ પિંજરાંમાં સમાઈ શકો છો.'

'તો હવે મને બહાર કાઢોને !'