પૃષ્ઠ:Balvartao.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ તો બહુ જ ગરમ અને દઝાડે એવો છે, પિતાજી મારા માટે આનાથી પણ શ્રેષ્ઠ હોય તેવો વર શોધી લાવો.”

મુનિએ વિચાર્યું, “સૂર્ય કરતાંય વાદળ મહાન છે કારણકે એ સૂર્યને ગમે ત્યારે ઢાંકી દઈને ઝાંખો પાડી દે છે.” મુનિએ વાદળનું આહવાન કર્યું, વાદળ કન્યા સામે હાજર થયું, કન્યા તેને જોઈને મોઢા પર અણગમો લાવીને બોલી, “આ તો કાળો અને પોચટ છે.”

મુનિએ વિચાર્યું, “વાદળ કરતાંયે બળિયો પવન છે, એ ગમે ત્યારે આવીને બધું હતું ન હતું કરી નાંખે છે.” આથી મુનિએ પવનને કન્યા સામે હાજર કર્યો. તેમણે પવનને બતાવી દીકરીને પૂછ્યું, “દીકરી, શું આ તને પસંદ છે?” પણ કન્યા તો પવન સામે જોઈ મોં ચડાવતા બોલી, “આ તો બહુ જ ચંચળ છે, એનું તો કંઈ ઠામ ઠેકાણું ય ન મળે.”

મુનિએ તપોબળથી પહાડને પ્રગટ કર્યો, કેમ કે પહાડ એવો સ્થિર છે કે ગમે તેવો પવન પણ તેને હલાવી શક્તો નથી. પણ તેને જોતા જ કન્યા બોલી, “આ તો કદરૂપો અને લૂખો-સૂકો છે, આવા બેડોળને તો હું નહિં જ પરણું.”