પૃષ્ઠ:Balvartao.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુનિને ઉંદરડીની વાત સાચી લાગી. ઉંદરડી પર દયા આવી. તેમને થયું કે આ ઉંદરડીને પોતાની સાથે ક્યાં ફેરવવી? એ વિચારે તેમણે ઉંદરડીને પોતાના તપોબળથી અને મંત્રસિદ્ધિથી કન્યા બનાવી દીધી અને તેને પોતાની કુટીરમાં લઈ ગયા, પોતાની પત્નીને તેમણે કહ્યું, “લો આ કન્યા, આપણે કોઈ સંતાન નથી તેથી આ કન્યાને દીકરી તરીકે ઉછેરો.” મુનિપત્ની દીકરી પામીને ખુશ થઈ ગયાં. કન્યા પણ મુનિ અને મુનિ-પત્નીને માતાપિતા માની તેમની સેવા કરવા લાગી.

આમ કરતાં કન્યા મોટી થઈ ગઈ. એક દિવસ ઋષિપત્નીએ કહ્યું, “સ્વામી, હવે આને પરણાવવી જોઈએ, આને માટે સારામાં સારો વર શોધી કાઢવો જોઈએ.”

મુનિએ કહ્યું, “આપણી આ પુત્રીને હું સૂર્યદેવને અર્પણ કરવા ઈચ્છું છું. એમના જેવો તેજસ્વી અને પ્રભાવશાળી બીજો કોણ છે?” આમ વિચારીને તેમણે સૂર્યદેવનું ધ્યાન ધર્યું, આવાહન કર્યું. સૂર્યદેવ આવ્યા. મુનિએ કન્યાને બોલાવીને સૂર્યદેવ બતાવ્યા, પછી પૂછ્યું, “બેટા તને આ પતિ તરીકે સ્વીકાર્ય છે?”કન્યા નાક ચડાવતા બોલી, “ઊંહું,