પૃષ્ઠ:Balvartao.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હવે મને કેમ પકડે છે ?" મગર કહે : "જો, હું તો કંઈ તને પકડત નહિ. પણ મને ભૂખ એટલી બધી લાગી છે કે ખાધા વિના મરી જઈશ. એમાં ઊલટી તારી મહેનત નકામી જાય ને ? આઠ દિવસનો તો ઉપવાસી છું." કહી મગર કણબીને પાણીમાં ખેંચવા લાગ્યો. કણબી કહે : "જરા ઊભો રહે. આપણે કોઈની પાસે ન્યાય કરાવીએ."

મગરે મનમાં વિચાર્યું : ભલે ને જરા ગમ્મત થાય ! એણે તો કણબીનો પગ મજબૂત પકડી રાખ્યો ને બોલ્યો : "પૂછ – તું તારે ગમે તેને પૂછ !" એક ઘરડી ગાય ત્યાંથી જતી હતી. કણબીએ એને બધી વાત કહીને પૂછ્યું : "તું જ કહે ને, બહેન ! આ મગર મને ખાય છે, એ તે કાંઈ ઠીક કહેવાય ?" ગાય કહે : "મગરભાઈ ! તમ તમારે ખાઈ જાઓ કણબીને. એની જાત જ ખરાબ છે. દૂઝણાં હોઈએ ત્યાં સુધી રાખે, ને ઘરડાં થયાં કે કાઢી મૂકે, કેમ કણબા ! સાચી વાત ને ?" એટલે મગર કણબીને જોરથી ખેંચવા લાગ્યો. કણબી કહે : "જરા વાર થોભ. બીજા કોઈને આપણે પૂછીએ."

ત્યાં એક લૂલો ઘોડો ચરતો હતો. કણબીએ બધી વાત એને કહીને પૂછ્યું : "કહે ભાઈ ! આ કાંઈ સારું કહેવાય ?" ઘોડો કહે : "મહેરબાન ! સારું નહિ ત્યારે શું ખરાબ ? મારી સામું