પૃષ્ઠ:Balvartao.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો જો ? મારા ધણીએ આટલાં વરસ મારી પાસે ચાકરી કરાવી ને હું લંગડો થયો એટલે મને કાઢી મૂક્યો ! માણસની જાત જ એવી છે ! મગરભાઈ, ખુશીથી ખાઈ જા એને."

મગર તો પછી કણબીનો પગ વધારે જોરથી ખેંચવા લાગ્યો. કણબી કહે : "જરાક થોભી જા. હવે એક જ જણને પૂછી જોઈએ. પછી ભલે તું મને ખાજે." ત્યાંથી નીકળ્યું એક શિયાળ. કણબી કહે : "શિયાળભાઈ ! મહેરબાની કરીને જરા અમારો એક ન્યાય કરશો ?" દૂરથી શિયાળે કહ્યું : "શું છે, ભાઈ ?" કણબીએ સઘળી વાત કરી. શિયાળ એકદમ સમજી ગયું કે મગરનો વિચાર કણબીને ચટ કરી જવાનો છે. એટલે તે બોલ્યું : "હેં કણબી ! ત્યાં કોરી જગ્યાએ તું પડ્યો હતો ?" મગર કહે : "ના રે ના ! ત્યાં તો હું પડ્યો હતો." શિયાળ કહે : "હં હં, મને બરાબર સમજાયું નહોતું. ઠીક, પછી શું થયું ?" કણબીએ વાત આગળ ચલાવી. શિયાળ કહે : "શું કરું ? – મારી અક્કલ ચાલતી નથી; કાંઈ સમજાતું નથી. ફરીથી બરાબર કહે. પછી શું થયું ?" મગર જરા ચિડાઈને બોલ્યો : "જો, હું કહું છું. આ જો, હું ત્યાં પડ્યો હતો." શિયાળ જરા માથું ખંજવાળતું વળી બોલ્યું : "ક્યાં ?