પૃષ્ઠ:Balvartao.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દગો એક વાર

એક જંગલમાં શિયાળ રહેતું હતું. શિયાળ શરીરે નાનું. નાના નાના શિકાર કરે, તેનાથી એનું પેટ ન ભરાતું. વળી જંગલી મોટાં પ્રાણીઓનો પણ ડર રાખવો પડતો.

એક વાર એ ગામમાં ઘૂસ્યું. એને થયું, અહીંથી કંઈક ખાવાનું મળી રહે. પણ એને કૂતરાનો ખ્યાલ ન આવ્યો. કારણ કે એ પહેલી વાર ગામમાં પગ મૂકતો હતો.

શિયાળ ગામમાં ઘૂસ્યું એટલે કૂતરાં ભસવા માંડ્યાં. શિયાળ ગભરાયું. આ ગલીમાં દોડે તો કૂતરાં... પેલી ગલીમાં દોડે તો કૂતરાં... સામું દોડે તો કૂતરાં... પાછું વળે તો કૂતરાં... ડાબે જાય તો કૂતરાં... જમણે જાય તો કૂતરાં... ચારે બાજુ ભસાભસ થઈ રહી. શિયાળ બેબાકળું બની ગયું અને એક વરંડામાં ઘૂસી ગયું. ત્યાં એક કૂંડી ભરેલી હતી તેમાં સંતાવા ગયું. તેમાં પાણી હતું એટલે છપાક દઈને અંદર પડ્યું.

કૂતરાં ભસી ભસીને કંટાળ્યાં. અને ચાલ્યા ગયાં.