પૃષ્ઠ:Balvartao.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એકદમ શાંતિ પથરાઈ ગઈ એટલે શિયાળ કૂંડીમાંથી બહાર નીકળ્યું અને જંગલ તરફ દોટ મૂકી. રાત પૂરી થઈ... સૂર્ય ઊગ્યો... સવાર પડી એટલે આખું જંગલ રળિયામણું દેખાવા લાગ્યું.

પરંતુ આ શું ?

બધાં પ્રાણીઓ શિયાળને જોઈને ભાગવા લાગ્યાં. શિયાળને નવાઈ લાગી. મને જોઈને બધા ભાગે છે કેમ ? હું કંઈ સિંહ-વાઘ થોડો છું ? અચાનક એની નજર પોતાના શરીર પર ગઈ તો આખું શરીર ભૂરું... પગ ભૂરાં, પેટ ભૂરું, પૂંછડીએ ભૂરી.

હવે તેને ખ્યાલ આવ્યો કે, રાત્રે એ જે કૂંડીમાં પડેલો તેમાં ભૂરા રંગનું પાણી હશે. અને એમ જ બનેલું.

શિયાળ ઘૂસેલું તે ઘર રંગારાનું હતું. તેણે કૂંડીમાં ભૂરો રંગ તૈયાર કરી રાખેલો. તેમાં શિયાળ પડ્યું અને ભૂરું બની ગયું.

શિયાળ તળાવે ગયું અને પાણીથી રંગ કાઢવા કોશિશ કરી પણ રંગ ન નીકળ્યો.