પૃષ્ઠ:Balvartao.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રપંચી કાગડો

એક નગરની નજીક રળિયામણું ઉદ્યાન હતું. તેમાં દરેક જાતનાં પંખીઓ અને નિર્દોષ હરણ-સસલાં જેવાં પશુઓ રહેતાં હતાં.

તેમાં એક સફેદ દૂધ જેવી પાંખવાળો હંસ રહેતો હતો. સ્વભાવે પણ વિવેકી, નરમ અને પરગજુ. બધાં સાથે મીઠું મીઠું બોલતો. બધાંને મદદ કરતો. આથી આખા ઉદ્યાનમાં બધાં એને ખૂબ માન આપતાં. જાણે અજાણ્યે એ ઉદ્યાનનો રાજા જેવો બની ગયો હતો. છતાં એનામાં રતિભાર અભિમાન ન હતું.

એ જ ઉદ્યાનમાં એક કાગડો રહેતો હતો. રંગે કાળો એટલો જ મનનો કાળો. સ્વભાવે ઉધ્ધત, દ્વેષીલો અને લુચ્ચો. બધાંને કોઈ ને કોઈ વાતે હેરાન કરતો. બધાં પંખી ઘડીક જંપી ગયાં હોય તો કા... કા... કા... કા... કરીને સૂવા ન દેતો. આખું ઉદ્યાન પોતાના કર્કશ અવાજથી ગજાવી દેતો. એની દુષ્ટતાનો કોઈ પાર ન હતો. એને આ હંસ દીઠો ગમતો ન હતો.