પૃષ્ઠ:Balvartao.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘણી વાર હંસને પણ પજવતો પણ હંસ એની કોઈ વાત મનમાં લાવતો નહિ. જો કોઈ પક્ષી જોઈ જાય કે આ દુષ્ટ કાગડો હંસને હેરાન કરે છે, તો એ કાગડાને બરાબર મેથીપાક આપતાં. આથી કાગડાને હંસ પર ખૂબ જ વેર. એનાથી એનું સારાપણું જરાય ખમાતું ન હતું. પણ કરે શું ?

હવે એક વાર એવું બન્યું કે, એક વટેમાર્ગુ આ ઉદ્યાનમાં પ્રવેશ્યો. દૂર દૂરથી એ ચાલીને આવ્યો હતો. થાક્થી એના સામ્ધેસાંધા દુઃખતા હતા. પગ તો લથડિયા ખાતા હતા. એને આ ઉદ્યાન અને તેની ઠંડક બહુ ગમી ગઈ. એ એક વૃક્ષ નીચે જ લાંબો થઈને સૂઈ ગયો. સૂતાવેંત જ એને નિદ્રા આવી ગઈ. એને નિદ્રાધીન થયાને ઘણો સમય વીતી ગયો. એટલે સૂર્યનો પ્રકાશ એના મોં પર પડવા માંડ્યો.

હંસે આ જોયું. એને થયું, બિચારો થાકેલો પાકેલો સૂતો છે. આ સૂર્યના તાપથી જાગી જશે. લાવ એના પર છાયા કરું. એણે તો પાંખો પ્રસારીને વટેમાર્ગુના મોં પર છાયા કરી.

હંસની આ ગતિવિધિ પેલો દુષ્ટ કાગડો નિહાળી રહ્યો હતો. એને થયું, આજે તો હંસ સાથે બરાબર વેર લઉં.