પૃષ્ઠ:Balvartao.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ તો મંડી પડ્યો કા... કા... કરવા. વટેમાર્ગુ પાસે એણે એટલો બધો અવાજ કર્યો કે, તે જાગી ગયો. કાગડાએ જોયું કે, તે જાગી રહ્યો છે. એટલે એ તરત જ વૃક્ષ પર જઈને બેઠો જેની નીચે વટેમાર્ગુ સૂતો હતો. વટેમાર્ગુ સૂતેલો તેના માથા પરની ડાળી પર જ બરાબર કાગડો બેઠો. ચરક્યો અને ઊડી ગયો. કાગડાની ચરક સીધી વટેમાર્ગુના મોં પર પડી. એ એકદમ ગુસ્સે થઈ ગયો અને ઊંચે જોયું તો હંસ પાંખ પ્રસારીને બેઠો હતો. તેને થયું, આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે. એણે તો પથ્થર લીધો અને તાકીને માર્યો હંસ પર. હંસના મર્મસ્થાન પર પથ્થર વાગતાં જ તે કળ ખાઈને નીચે પડ્યો અને તરફડીને મરણ પામ્યો.

વટેમાર્ગુ તો ચાલતો થયો. પંખીઓએ આ જોયું તો તેઓને બહુ જ દુઃખ થયું. તેઓને કાગડા પર બહુ ગુસ્સો આવ્યો. તેમણે બધાંએ ભેગાં મળી કાગડાને ઘેરી લીધો અને ચાંચો મારી મારીને પીંખી નાખ્યો... મારી નાખ્યો.

'હે કુમારો ! દુષ્ટોથી ચેતીને રહેવું. એ લોકો લાગ મળે આપણને નુકસાન કરે જ.'