પૃષ્ઠ:Balvartao.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાખે છે. આથી આપણી જાતિને બહુ નુકસાન થઈ રહ્યું છે. આ સિલસિલો ચાલુ રહ્યો તો એક દિવસ આપણી સમસ્ત જાતિનો નાશ થઈ જશે. આપણે તેઓને શોધી શકતા નથી. તેઓ ક્યાં રહે છે તેની આપણને જાણ નથી. એટલે એ લોકોને આપણા તરફથી કોઈ નુકસાન થતું નથી. એટલે હવે આપણે આપણી જાતિના ભલા માટે શું પગલાં લેવાં જોઈએ તે મને કહો.'

પહેલો મંત્રી કહે, 'જો શત્રુ બળવાન હોય તો લડાઈ ન કરવી જોઈએ. સંધિ કરી લેવી જ હિતાવહ છે. કારણ કે પ્રાણ બચી ગયાં હોય તો બધું જ થઈ શકે છે. ગુરુ બૃહસ્પતિનું કહેવું છે કે, સામ, દામ અને ભેદથી શત્રુને હરાવવા કોશિશ કરવી. આ ત્રણ વાત નિષ્ફળ જાય ત્યારે જ યુદ્ધરૂપી દંડ કરવો. અને વિજયની આશા ન હોય તો સંધિ કરવી સારી.'

પછી રાજાએ બીજા મંત્રીને પોતાનો અભિપ્રાય રજુ કરવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, 'હે રાજન્! સંધિ ન કરવી જોઈએ. શત્રુ ઝૂકીને સંધિ કરવા ઈચ્છે તો પણ સંધિ ન જ કરવી. શત્રુ બળવાન હોય તો તેને બળથી નહિ, છળથી મારવો. બુદ્ધિ, હિંમત અને ઉત્સાહ મોટામાં મોટા શત્રુઓને હટાવી દે છે.'