પૃષ્ઠ:Balvartao.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ પછી કાગરાજે ત્રીજા મંત્રીને પૂછ્યું, 'મંત્રીવર ! તમે મને શું સલાહ આપો છો ?'

ત્રીજો મંત્રી કહે, 'મહારાજ ! આપણે જાણીએ છીએ કે, શત્રુ ઘણો બળવાન અને અનીતિમાન છે. માટે તેની સાથે યુદ્ધ કરવું પણ ઉચિત નથી. તેમ સંધિ કરવી પણ ઉચિત નથી. શત્રુ પર વિજય મેળવવા માટે એ મૂશ્કેલીમાં હોય ત્યારે હુમલો કરવો. અને એના અન્ન-જળના ભંડારનો નાશ કરવો. જેથી તેને જીતી શકાય છે. માટે કારતક કે ચૈત્ર મહિનામાં હુમલો કરવો.'

રાજાએ ચોથા મંત્રીને પૂછ્યું, 'તમારો શો અભિપ્રાય છે ?'

'મહારાજ ! આપણે આપણું નિવાસસ્થાન બદલવું ન જોઈએ. આપણે આપણા સ્થાન પર રહીને જ લડવું જોઈએ. તો અવશ્ય આપણી જીત થશે. બળવાન હાથીને પણ મગર પાણીમાં ખેંચી જાય છે. પણ પાણી બહાર એક કૂતરાથી પણ હારી જાય છે.'

છેલ્લે કાગરાજે પાંચમાં મંત્રીને પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું.