પૃષ્ઠ:Balvartao.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાંચમા મંત્રીએ કહ્યું, 'આપણે મિત્રોની મદદ માગવી જોઈએ. મિત્રોની સહાય લઈને અધિક બળવાન થવું અને શત્રુને પરાજિત કરવો એ જ બધી રીતે ઠીક ઉપાય લાગે છે.'

એ પછી રાજાએ પોતાના રાજ્યમાં વસતા એક સૌથી ઘરડા કાગડાને બોલાવી પૂછ્યું,

'હે વડીલ ! તમે અતિ વૃદ્ધ છો, અતિ અનુભવી છો. પાંચે મંત્રીઓની વાત તમે પણ સાંભળી છે. તો તમે કહો, મારે શું કરવું જોઈએ ?'

ઘરડો કાગડો ઝૂકીને રાજાને કહેવા લાગ્યો. 'હે મહારાજ ! પાંચે મંત્રીઓની વાત નીતિશાસ્ત્ર અનુસાર સાચી અને યોગ્ય છે. જેવો સમય હોય તેવી યોજના બનાવવી જોઈએ. વળી રાજન્! શત્રુ બળવાન હોય ત્યારે યુદ્ધ કે સુલેહ કરીને નિશ્ચિંત બનવું ન જોઈએ. શત્રુના મનમાં વિશ્વાસ પેદા કરીને પણ આપણે તેના તરફ અવિશ્વાસુ રહેવું જોઈએ. લોભ-લાલચથી તેને ખતમ જ કરવો જોઈએ.'