પૃષ્ઠ:Balvartao.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અપશુકનિયાળ ઘુવડ ! પંખીઓમાં આપણી જાત વધુ ચાલાક ગણાય છે. આજે આપણી કસોટીનો સમય આવી ગયો છે. આપણે ઘુવડોનો નાશ કરવો જોઈએ. તે માટે હું મારો પ્રાણ પણ આપવા તૈયાર છું.'

'આપણે શું કરી શકીએ ?'

'હું ગુપ્તચર બનીને ઘુવડોની વચ્ચે જઈશ અને તેઓનો નાશ કરીશ.'

'પરંતુ તમે જશો કેવી રીતે ?'

'તેનો એક ઉપાય છે. સંધ્યાકાળે તમે મારી સાથે ખોટો ઝઘડો કરો અને ઘાયલ કરીને ફેંકી દો. હું કોઈ પણ ઉપાયે ઘુવડોના પક્ષમાં ભળી જઈશ. અને તેઓના ભેદ જાણી, તેઓનું રહેઠાણ શોધી, તેઓનો નાશ કરીશ. તમે મને શત્રુ ઘોષિત કરીને આ વૃક્ષ છોડી પહાડો પર ચાલ્યા જાઓ.'

'સારું, તમે કહો છો તેમ જ થશે.' કાગરાજે સંમતિ આપી.

ધીરે ધીરે સાંજ પડી. પક્ષીઓ માળામાં જવા લાગ્યાં. અને ચામાચિડિયાં, ઘુવડો વગેરે નિશાચરો જાગવા લાગ્યાં.