પૃષ્ઠ:Balvartao.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યારે કાગડાઓએ પેલા વૃદ્ધ કાગડા સાથે ઝઘડવાનો પ્રારંભ કર્યો. ઝઘડો વધતાં બધાંએ તેને ખાલી ખાલી મારવો શરૂ કર્યો અને તેને ફેંકીને દૂર દૂર પહાડ પર ચાલ્યા ગયા.

રાત્રિ પડી. ઘુવડો ફરવા નીકળ્યાં ત્યાં જ તેમને ઘાયલ પડેલો કાગડો દેખાયો. તેઓ તેને મારી નાખવા ભેગા થયાં. ત્યારે કાગડો બોલ્યો, 'ભાઈઓ ! મારે તમારા રાજાને મળવું છે. પછી ભલે તમે મને મારી નાખો. મારી આટલી વિનંતી માન્ય રાખો.'

ઘુવડોને થયું, આ અધમૂઓ કાગડો ભલે રાજાને મળી લેતો. એ આપણું કંઈ બગાડી શકવાનો નથી. અડધો મરેલા જેવો જ દેખાય છે. આપણે પૂરો મારી નાખીશું.'

ઘુવડો કાગડાને પોતાના રાજા પસે લઈ ગયા.

ઘુવડના રાજાએ પૂછ્યું, 'આ દુશ્મનને અહીં કેમ લાવ્યા છો ?'

'મહારાજ ! એ આપને મળવા માગે છે.' એક ઘુવડે કહ્યું.