પૃષ્ઠ:Balvartao.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'કહે, તું મને કેમ મળવા માગે છે ?' રાજાએ કાગડાને પૂછ્યું.

'મહારાજ ! અમારો રાજા બહુ લુચ્ચો અને સ્વાર્થી છે. મેં જરાક તમારાં વખાણ કર્યાં ત્યાં તો મને મરણતોલ માર મારી ફેંકી દીધો. હવે તો હું તમારા શરણે છું. મને મારવો કે જિવાડવો એ તમારે જોવાનું છે.'

રાજાએ મંત્રીઓને પૂછ્યું, 'હે મંત્રીઓ ! મારે શું કરવું જોઈએ ?'

એક વૃદ્ધ મંત્રીએ કહ્યું, 'દુશ્મન એટલે દુશ્મન. એને મારી નાખવો જ ઉચિત છે.'

પરંતુ બીજા જુવાન મંત્રીએ કહ્યું, 'હે રાજન ! આપણા હાથમાં અનાયાસે સોનેરી મોકો આવ્યો છે. શત્રુમાં ફૂટ પડે એ આપણા લાભમાં ઊતરે છે. આને આપણે ગુપ્તચર બનાવીએ. એ આપણા દુશ્મનોનો ભેદ જાણીને આપણને કહેશે. એટલે આપણે કાગડાઓને મારી નાખી તેમનું નામનિશાન આ પૃથ્વી પરથી મિટાવી દઈશું.'

રાજાને પણ યુવાન મંત્રીની વાત ગમી ગઈ. તેણે ઘાયલ કાગડાને કહ્યું, 'શરણે આવેલાની રક્ષા કરવી અમારો ધર્મ