પૃષ્ઠ:Balvartao.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હંસને લાગ્યું, 'સારો અને સાચો મિત્ર મુશ્કેલીમાં કામ આવે છે.'

આ તરફ પારધી નગરમાં એક ઝવેરીને ત્યાં ગયો. અને પેલું મોતી બતાવ્યું. ગુલાબી ઝાંયનું આવડું મોટું ચોખ્ખું મોતી જોઈને ઝવેરી અજાયબ થઈ ગયો. તેણે પારધીને સો સોનામહોર આપી. અને કહ્યું, 'જો તું આમાનું બીજું મોતી લઈ આવશે તો હું તને પાંચસો સોનામહોર આપીશ.'

પારધી સો સોનામહોર જોઈને અજાયબ થઈ ગયો. અને પાંચસો સોનામહોરની વાત સાંભળીને તો એને ચક્કર જ આવી ગયા.

બીજે દિવસે એ ઊપડ્યો ફરી જાળ લઈને સરોવર કિનારે. લપાતો છુપાતો એ હંસને ફસાવવાનો લાગ જોયા કરતો હતો. હંસ સરોવર કિનારે બેઠેલો હોવો જોઈએ. અને તે સમયે કોઈ માણસ કે ચોકિયાત હોવો ન જોઈએ. માંડ માંડ એક દિવસ એવો મોકો મળી ગયો. એણે જાળ નાખી અને હંસ ફરી સપડાયો. ફરી માછલીએ કહ્યું, 'તું હંસને છોડી મૂક.'